(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૦
પંચમહાલના ભાજપના સાંસદ દ્વારા પોતાના આગામી રાજકીય ભવિષ્ય વિશે આગાહી કરતું ચર્ચાસ્પદ નિવેદન કરાતા ચર્ચાનું બજાર ગરમ થયું છે. આત્મવિશ્વાસમાં તેમણે આગામી ૩ ઈલેક્શન સુધી પોતે જ સાંસદ રહેવાના હોવાનું અને તેમની ત્યાં સુધી તેમની ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી એમ જણાવતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જિલ્લામાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી દરમિયાન ભાજપના સંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ત્યારે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓની ચૂંટણી લડવાની તૈયારીઓ વિષે પૂછવામાં આવતા તેઓ આવેશ સાથે મોટી આગાહી કરી બેઠા હતા. હાલ ૮૦ની આસપાસ પહોંચેલા પ્રભાત સિંહ આગામી ૨૦ વર્ષ સુધી પોતે જ અહીંના સાંસદ રહેશે એમ જણાવ્યું હતું. ૨૦૧૯, ૨૦૨૫ અને ૨૦૩૦ની ચૂંટણી સુધી હું જ સાંસદ રહીશ અને મારી ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે ઉપસ્થિત સૌ ચોંકી ગયા હતા. જો કે, એક રીતે જો ઉંમરનો બાધ ના નડે તો પ્રભાતસિંહ જિલ્લામાં સાંસદ તરીકે સારી લોકચાહના ધરાવે છે. ઓબીસીના પ્રભુત્વવાળા જિલ્લામાં પોતે ઓબીસી સમાજના એક માત્ર મોટા નેતા હોવાથી પ્રભાતસિંહ આવો આત્મવિશ્વાસ બતાવે છે. પરંતુ ૮૦ના ઉંમરે પહોંચેલા પ્રભાતસિંહની આગામી ૨૦થી વધુ વર્ષ સુધી સાંસદ રહેવાની વાત ગળે ઉતરે એમ લાગતી નથી. ૭૫થી વધુ ઉંમરે રાજકારણમાં રહેવાના ભાજપના નિયમમાં પણ પ્રભાત સિંહ ફિટ બેસતા નથી. બીજી તરફ તેમણે આપેલ નિવેદનથી ભાજપના મોવડી મંડળમાં તેની કેવી પ્રતિક્રિયા થાય છે તેના પર સૌની નજર પડે છે.