નવી દિલ્હી, તા.૧૦
ભારતીય ક્રિકેટર અભિનવ મુકુન્દે સોશિયલ મીડિયા પર વંશીય ટિપ્પણીઓ પર સણસણતો જવાબ આપતા કહ્યું છે કે પોતાની ચામડીના રંગના કારણે તે પોતે ઘણા વર્ષોથી અપમાન સહન કરતો આવ્યો છે. પોતાના ટિ્વટર પેજ પર એક નિવેદનમાં મુકુન્દે ચામડીના રંગને લઈ મોકલેલા અમુક સંદેશાઓ પર નિરાશા વ્યકત કરી છે. તામિલનાડુના આ બેટ્સમેને સ્પષ્ટતા કરી છે કે તેના નિવેદનમાં ભારતીય ક્રિકેટ ટીમના કોઈ સભ્ય સાથે કોઈ લેવા-દેવા નથી તેમણે કહ્યું કે હું કોઈ સહાનુભૂતિ અથવા મહત્ત્વ લેવા માટે આ લખી રહ્યો નથી. હું લોકોની માનસિકતા બદલવા માગુ છું. હું ૧પ વર્ષની ઉંમરથી દેશની અંદર અને બહાર કરતો રહ્યો છું. હું કાળઝાળ ગરમીમાં રમ્યો છું અને મને એનું કોઈ દુઃખ નથી કે મારો રંગ કાળો થઈ ગયો છે મને અનેક નામોથી બોલાવવામાં આવે છે. હું આ વાતોની હસીને અવગણના કરી દઉ છું. આ વાતોએ મને મજબૂત બનાવ્યો છે. હું આવી વાતોનો જવાબ નથી આપતો પણ આજે હું તે તમામ લોકો તરફથી બોલી રહ્યો છુ જે રંગભેદના શિકાર છે હું ફક્ત એ કહેવા માગું છુ કે ફક્ત ગોરા હોય એ જ સુંદર નથી હોતા.