માતૃભાષાના ધો.૯-૧૦ના પાઠ્યપુસ્તકોમાં વ્યાકરણ સહિતની ગંભીર ભૂલો સામે આવી

અમદાવાદ, તા.૬
‘માતૃભાષા’નો દરજ્જો ‘મા’ની સમકક્ષ ગણવામાં આવે છે ત્યારે માતૃભાષાનું શિક્ષક એ દરેક રાજ્યની કેટલી મોટી જવાબદારી હોય તે સમજી શકાય છે. જ્યારે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો.૯ અને ૧૦ના માતૃભાષાના પુસ્તકોમાં વ્યાકરણ અને જોડણી સહિતની અનેક ભૂલો સામે આવતા આપણે જ માતૃભાષાનું નુકસાન કરવા બેઠા હોઈએ તેવી ચર્ચા વેગવંતી બની છે અને જો માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં જ આટલી ભૂલો હોય તો અન્ય વિષયના પુસ્તકો વિશે તો પૂછવું જ શું ? માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દુનિયાની ભાષાઓમાં જોવા મળ્યો છે. ચીનમાં તો કોઈને શ્રાપ આપવામાં આવે તો કહેવાય છે કે તું તારી ભાષા ભૂલી જજે ! પણ વાત અહીં ગુજરાતની છે. અહીં સ્થિતિ વિરોધાભાસી છે. જેના હાથમાં જ ભાષાના સંવર્ધનનું કામ છે તે જ તેનું કાસળ કાઢવામાં લાગ્યું છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ જે શાળાઓના પાઠ્યપુસ્તકો છાપતું આ મંડળ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં ધો.૯ અને ૧૦ની ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં જોડણી સહિતની હજારો ભૂલો જોવા મળી. પાઠ્યપુસ્તક મંડળની આ ભૂલ ઉજાગર કરી છે. ગુજરાતી ભાષાના જાણીતા પ્રૂફરીડર અને ભાષા પ્રેમી વજેસિંહ પારગીએ ધો.૯ અને ૧૦ના ગુજરાતીના પુસ્તકોમાં જોડણી, ધો.૯ અને ૧૦ના ગુજરાતી પુસ્તકોમાં વ્યાકરણ અને ખોટા શબ્દો સહિતની અઢળક ભૂલો જોવા મળી છે. ધો.૯ના ગુજરાતીના પુસ્તકમાં ૧૦૦૦થી વધુ ભૂલો છે. ધો.૧૦ના ગુજરાતી પુસ્તકમાં પણ દરેક પાના પર એકથી વધુ એટલે કે પ૦થી ૧૦૦ જેટલી ભૂલો જોવા મળે છે. ધો.૧૦ના પુસ્તકમાં સમાવેશ કરાયેલ જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીના પાઠ ‘‘તારા ગયા પછી’’માં ૧૦૦થી વધુ ભૂલો થઈ છે ત્યારે લેખકે મંડળની આ બેદરકારીને શરમજનક ઘટના ગણાવી છે. રઘુવીર ચૌધરીની અપેક્ષા છે કે મોટી રકમ લઈને પણ મુદ્રણ વખતે બેદરકારી દાખવનાર સંબંધિત પ્રિન્ટિંગ પ્રેસના માલિકની કંપનીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે. આ પુસ્તકોમાં જોડણી સહિત અર્થ, નિર્ણયની જે ગંભીર ભૂલો છે તે વિદ્યાર્થી માટે પણ ગંભીર બાબત છે. હવે આ માટે શુદ્ધિપત્ર બહાર પડે તે જરૂરી છે. કેમ કે આ ભૂલો નહીં સુધરે તો ભાષાની ખોટી કેળવણી મળશે. જો કે, ભૂલ કેમ થઈ એ સવાલ પણ એટલો જ મહત્ત્વનો તો રહે જ છે. સવાલ એ છે કે, વિષય નિષ્ણાતો હોવા છતાં આટલી બધી ભૂલો કેમ થઈ ? પાઠ્યપુસ્તક મંડળમાં બેઠેલા લોકોએ શું કર્યું ? જે નિષ્ણાતોને પૈસા ચૂકવીને સેવા લેવાઈ તે જ આપણી માતૃભાષાનું કાસળ કાઢનારા કેમ બન્યા ? આ દરેક સવાલ હાલ તો ચર્ચામાં છે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks