(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસ હવામાનમાં બદલાવ આવ્યા બાદ રાજ્યમાં પુનઃ ગરમી આક્રમણ શરૂ થઈ ચુક્યું છે. ત્યારે ગુજરાતીઓ માટે ખાસ કરીને આવતીકાલથી પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો હોવાથી મુસ્લિમ બિરાદરો માટે રાહતના સમાચાર એ છે કે, આગામી ૮મેથી ૧ર મે દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે અન્યત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાનમાં ફેરફારોને પગલે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી થોડી રાહત તો મળી છે પણ જેમ જેમ બપોર થઈ રહ્યો છે તેમ ગરમીએ પોતાનો અસલ રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. ગુજરાતમાં હવામાનમાં સતત ફેરફારો થઈ રહ્યાં છે. હવે નવી આગાહી મુજબ હવામાન વિભાગના અંદાજ અનુસાર તારીખ ૮થી ૧૨ મે દરમિયાન અરબી સમુદ્રમાં મધ્ય લેવલ પર ઊભી થનારી ભેજની ચાદરને કારણે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા કે ઝાપટાં પડવાની શક્યતા પણ છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ અને લઘુતમ તાપમાન ૨૫થી ૨૬ ડિગ્રી આસપાસ રહે છે. આગામી ચારથી પાંચ દિવસ શહેરમાં ગરમી ઓછી રહેવાની સંભાવના છે. રાજસ્થાનની સાથે ગુજરાતમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી સોમવારે બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વર્તાઈ હતી.
૮થી ૯ મેની આસપાસ અરબી સમુદ્રમાં મધ્ય લેવલે ભેજની ચાદર સર્જાશે, જે ગુજરાતનાં વિવિધ વિસ્તારો સુધી લંબાશે. પરિણામે ૮થી ૧૨ મે દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વાદળિયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડશે. જેને પગલે ગરમીથી થોડો છૂટકારો મળશે એ નક્કી છે.
આ પાંચ દિવસોમાં તાપમાન ૪૦થી ૪૧ ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં પણ ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
અત્રે નોંધનિય છે કે, શુક્રવારથી સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. રાજ્યના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. ભૂજ, ગાંધીધામ, નરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. તો સાવરકુંડલા, ધારી, બાબરા, ચલાલા, સાબરકાંઠા, અંબાજીમાં પણ અચાનક વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. વાવાઝોડા ફાનીની અસરને લીધે ભરઉનાળે માવઠુ થતાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.