(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
દલિતોના મુદ્દે રાજ્યસભામાં બોલવા ન દેવાથી નારાજ થઇ રાજીનામું આપનારા માયાવતીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. જો કે, રાજ્યસભાના અધ્યક્ષને તેમણે ફરી યોગ્ય ફોર્મેટમાં પોતાનુું રાજીનામું લખીને આપવું પડ્યું હતું. રાજ્યસભાના ચેરમેને માયાવતીનું પહેલા આપેલું રાજીનામું સ્વીકાર કર્યું નહોતું અને તેમને ફરી રાજ્યસભામાં પરત ફરવા કહ્યું હતું પરંતુ માયાવતીએ પરત ફરવાને બદલે ફરી રાજીનામું લખીને આપવું યોગ્ય ગણ્યું હતું. આ પહેલા કોંગ્રેસ અને અન્ય પક્ષોએ માયાવતીને તેમના રાજીનામા પર ફરી વિચારણા કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ૧૮મી જુલાઇએ રાજ્યસભામાં સહારનપુરમાં દલિત વિરોધી હિંસાના મુદ્દે સભાપતિ દ્વારા તેમને વાત પૂરી કરવાની પરવાનગી ન આપતા કેટલાક કલાકો બાદ જ તેમણે ઉચ્ચ સદનના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. માયાવતીએ સોમવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને મળી રાજીનામું સોંપી દીધું હતું. જોકે, માયાવતીનંું આ રાજીનામું રાજ્યસભા સચિવાલયે નામંજૂર રાખ્યું હતું. રાજીનામાને યોગ્ય ફોર્મેટ અનુસાર રાજીનામું સંક્ષિપ્ત હોવું જોઇએ અને તેમાં કારણોનો ઉલ્લેખ કરવામાં ન આવે. ૧૮મી જુલાઇના ઘટનાક્રમ અનુસાર જ્યારે માયાવતીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે ઉપસભાપતિ પી.જે. કુરિયને નિયમો અંતર્ગત બોલવાનું કહ્યું હતું. તેનાથી નારાજ બસપા પ્રમુખે કહ્યું કે, હું આજે રાજ્યસભામાંથી રાજીનામું આપી દઇશ. માયાવતીનું રાજ્યસભામાં હાલનું કાર્યકાળ આગામી વર્ષે એપ્રિલમાં સમાપ્ત થશે. મીડિયાને અપાયેલા તેમના રાજીનામામાં માયાવતીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે, દલિતોના મુદ્દે તેમને ઉચ્ચ સદનમાં બોલવા દેવાયા નહીં. તેમણે કહ્યું કે, જેવી તેમણે તેમની વાત મૂકવાનું શરૂ કર્યું ત્યારે સત્તાપક્ષ તરફથી તેમના સંસદ સભ્યો સાથે મંત્રીઓ પણ ઊભા થઇ ગયા અને અવરોધ ઊભા કરવા લાગ્યા હતા.