લખનઉ તા. ૧૫
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઈલેક્ટ્રીક વોટિંગ મશીનો (ઈવીએમ) માં થયેલી કથિત ગરબડના મામલે રાજકીય સંગ્રામ મચ્યો છે. બસપા અધ્યક્ષ માયાવતીએ ફરી એક વાર આ મામલે ભાજપ પર બળાપો ઠાલવ્યો છે. માયાવતીએ કહ્યું કે ભાજપની બેઈમાની ચાલશે નહીં અને આ આખા મામલાને કોર્ટમાં લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમા મોદીની જીત ઈમાનદારીથી થયેલી જીત નથી. આ બેઈમાની અને લોકશાહિની હત્યાની જીત છે. માયાવતી એ ઘોષણા કરી હતી દર મહિનાની ૧૧મી તારીખે ઈવીએમના ચેડાંની વિરૂધ્ધ કાળો દિવસ મનાવશે.લખનઉ પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતાં માયાવતીએ કહ્યું કે ભાજપની આટલી મોટી જીત છતાં પણ મોદીના ચહેરા પર નૂર ઉડી ગયું છે. ૩૨૫ બેઠકો જીત્યા પછી પણ મોદીના ચહેરાની રોનક ગાયબ છે જે દર્શાવે છે કે ચૂંટણીમાં ઈવીએમમાં ભારે મોટી ગરબડ કરવામાં આવી છે. બપસા સુપ્રીમોએ આગળ કહ્યું કે આ લોકો ૨૦૧૯ સુધી અનામતને કંઈ નહીં કરે પરંતુ જો ૨૦૧૯ માં સત્તા પર આવશે તો અનામતને ખતમ કરી દેશે.યુપી વિધાનસભાની ચૂંટણીમાં બસપાને ફક્ત ૧૯ બેઠકો મળી છે જેનાથી માયાવતીનો આગામી રાહ અત્યંત કઠિન બન્યો છે. તેમને રાજ્યસભા સાંસદ બની રહેવા માટે જરૂરી સમર્થન મેળવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. તેમણે કહ્યું કે ભાજપ લોકોનું મગજ બદલવા માંગે છે કેન્દ્રની ભાજપની આગેવાની વાળી એનડીએ સરકાર આરએસએસના ઈશારે કામ કરી રહી છે. જો તેઓ ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં આવું કર્યું હોત તો તેમણે જવાબ આપવો પડ્યો હોત. આ પહેલા માયાવતીએ લખનઉમાં કાશીરામ સ્મારક સ્થળ પર પાર્ટીના સંસ્થાપક કાશીરામને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. માયાવતીની ઉપરાંત, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ પણ ઈવીએમ પર આંગળી ઉઠાવી છે. બસપાના સંસ્થાપક કાશીરામ દેશના દલિતો, પછાતવર્ગ અને આદિવાસીઓના અધિકારો માટે લડ્યા. આજે કાશીરામ જયંતિના અવસરે બસપા સુપ્રીમો માયાવતીએ અનામતનો મુદ્દો ઉઠાવતા ભાજપ અને પીએમ મોદી પર પ્રહારો કર્યા. યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને તેમણે છળકપટ દ્વારા મેળવેલ જીત ગણાવતા કહ્યું કે ભાજપવાળા ર૦૧૯માં ફરીથી કેન્દ્રમાં સરકાર રચવાના સપના જોઈ રહ્યા છે. વર્ષ ર૦૧૯ પહેલા તો આ લોકો અનામતનો અંત લાવવાની વાત નહીં કરે પરંતુ તેના પછી જ તેઓ પોતાનો અસલી ચહેરો દેખાડશે અને આરએસએસના એજન્ડા પર ચાલતા અનામતને પ્રભાવશીન અથવા તેનો અંત લાવાવની વાત ઉછાળશે.
માયાવતીનો આરોપ છે કે બીજેપીના ચાલ-ચરિત્ર અને ઈરાદાઓથી અનામતને ખતરો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાંની વાત કરતા માયાવતીએ કહ્યું કે ભાજપના યુપીમાં વિજયની વાત લોકોને હજમ નથી થઈ રહી છે. પાંચ રાજ્યોમાં તેમણે તેટલા માટે આવો ગોટાળો ન કર્યો કારણ કે ત્યારે તેમણે જવાબ આપવો મુશ્કેલ થઈ જાત અને તેમની પોલ બધાની સામે ખુલ્લી પડી જાત.