(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
અમદાવાદના કાલુપુર નવી મહોલતમાં રહેતા અને હાલ અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા પીરઝાદા મોહમ્મદ આદિલ મોહમ્મદ રઈસે બીબીએ ઈન એર ટ્રાવેલ મેનેજમેન્ટની પરીક્ષામાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં પ્રિન્ટીંગ ઓફસેટનો ધંધો કરતા મોહમ્મદ રઈસે તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા મનમાં ગાંઠ બાંધી હતી. આથી પ્રથમ પુત્રીને એમ.કોમ.બીએડ કરાવી પરણાવી. જ્યારે બીજા પુત્ર મોહમ્મદ આદિલને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ત્યારબાદ મોહમ્મદ આદિલ એરઈન્ડિયામાં જોડાયો જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. આમ છતાં મોહમ્મદ આદિલ ચેનથી ન બેઠો અને આગળ અભ્યાસ કરવાનું જારી રાખ્યું અને નોકરીની સાથે સાથે અભ્યાસ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી બીબીએ ઈન એર ટ્રાવેલ મેનેજમેન્ટની પરીક્ષા આપી જેમાં તેણે સર્વપ્રથમ આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ગતરોજ મોહમ્મદ આદિલને રાજ્યપાલ ઓ.પી. કોહલી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરાની હાજરીમાં યોજાયેલા સમારંભમાં ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આથી મોહમ્મદઆદિલના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મોહમ્મદ આદિલની આ સિદ્ધિને ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ પણ બિરદાવી તેનું સન્માન કર્યું હતું. આમ મુસ્લિમ વિદ્યાર્થીઓ હવે દરેક ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે તે મોહમ્મદ આદિલે સાબિત કરી આપ્યું છે.