Ahmedabad

મક્કાથી મદીના ગયેલા કેટલાક હાજીઓનો સામાન અન્ય હોટલમાં પહોંચી જતા હેરાની

અમદાવાદ,તા.૧૮
ગુજરાત રાજય હજ સમિતિ મારફત હજયાત્રાએ ગયેલા ગુજરાતના કેટલાક હાજીઓનો સામાન અન્ય હોટલમાં જતો રહેતા હાજીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બબ્બે દિવસ સામાન શોધવામાં વીતિ જતા આ હાજીઓ મદીના શરીફમાં ૪૦ નમાઝ અદા નહીં કરી શકે તેવો અફસોસ વ્યકત કરી ઈન્ડિયન હજ મિશન મદીના શરીફના કોન્સ્યુલેટ જનરલને પત્ર પાઠવી સમય વધારી આપવા વિનંતી કરી હતી. મક્કા શરીફમાં હજ અદા કર્યા બાદ ગુજરાતના હાજીઓ મદીના શરીફ જવા રવાના થયા હતા. ૧પમીએ રાત્રે ૯ કલાકે તમામ હાજીઓ મદીના શરીફ તેમને ફાળવેલ હોટલમાં પહોંચી ગયા હતા. પરંતુ કવર નંબર (૧૬૭૦૪-૪-૦, ૧૦૬૧૪-૩-૦, ર૬૦૭-૩-૦)નો સહિત ર૦થી વધુ કવરના હાજીઓનો સામાન હોટલમાં ન પહોંચતા તેમણે ખાદીમુલ હુજજાજને જાણ કરી હતી. આથી તપાસ કરતા તેમનો સામાન પ કિ.મી. દુર અન્ય હોટલમાં પહોંચી ગયો હતો. આથી સામાનની શોધખોળ અને પરત લાવતા હોય બે દિવસ વીતિ ગયા હતા. આમ સામાન શોધવાની ભાગદોડમાં તેઓ મદીના શરીફમાં પ સમયની નમાઝ પઢી શકયા ન હતા. આથી તેઓને ફાળવેલ નિર્ધારીત દિવસોમાં ૪૦ નમાઝ અદા કરવાની હોય છે. જે અદા થઈ શકે તેમ ન હોવાથી તમામ હાજીઓએ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન હજ મિશન, મદીનાને પત્ર પાઠવી વિનંતી કરી હતી કે, તેમની જે નમાઝો હરમ શરીફમાં અદા કરવાની રહી ગઈ છે તે પૂર્ણ કરી કુલ ૪૦ નમાઝો થઈ શકે તે હેતુથી તેમની ફલાઈટની તારીખ લંબાવી આપવામાં આવે.