(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જુલાઈના પ્રથમ બે સપ્તાહ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદનો વિરામ યથાવત રહ્યો છે. ગત ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાતના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૨૪ કલાક દરમિયાન એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ – ચાર દિવસથી વરસાદી ઝાપટાં પણ થયા નથી. મેઘરાજાએ સતત ઉઘાડ રાખ્યો હોવાથી ખેતીમાં વાવણીની કામગીરી પૂર્ણ થઈ છે. નવા પાક માટે હવે વરસાદની જરૂરિયાત ઊભી થઇ છે. વરસાદના પાણીથી નદી-નાળાઓ ખેતલાવાડીઓ તરબોળ થઈ હોવાથી હાલ લીલોતરી છવાઈ રહી છે. આગામી દિવસોમાં ખેતીના ઊભા પાક માટે પાણીની જરૂરિયાત સર્જાશે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરી નથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, દમણ, દીવ અને મધ્યગુજરાતમાં હાલ વરસાદની શક્યતા ઓછી છે તેમ છતાં આકાશમાં વાદળો ઘેરાયા છે, પરંતુ વરસ્યા ના હોવાનું ફલ્ડ કંટ્રોએ જણાવ્યું હતું.