મેઘરજ પાસે ઓઢાવા વાંઘાના ડીપમાં કાર તણાતાં રાજસ્થાની યુવકનું મોત

(સંવાદદાતા દ્વારા)
મેઘરજ, તા.રપ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઓઢાવા વાંઘા પાસે મારૂતિ કાર પાણીના વહેણમાં ખેંચાઈ જતાં રાજસ્થાનના મેવાડા ગામના યુવાનનું કરૂણ મોત થયું હતું. મૃતકની લાશ ઘટનાસ્થળેથી છથી સાત કિમી દૂર કોલુન્દ્રા નદીની સીમમાં બ્રિજની આડમાં મળી આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ મેઘરજ તાલુકામાં છેલ્લા છ દિવસથી અતિભારે વરસાદ પડવાના કારણે મેઘરજ તાલુકાના તમામ વાંઘાઓ ખેતરો અને વાત્રક નદી જળબંબાકાર થઈ જવા પામી હતી. કાલે દિવસ દરમિયાન અતિભારે વરસાદમાં રાજસ્થાનના મેવાડા ગામનો વતની અને મોડાસા ખાતે રહેતા ઈજનેર અમિતકુમાર જયંતિભાઈ પટેલ ગઈકાલે પોતાના ધંધા અર્થે મોડાસાથી મેવાડા ગામે ગયા હતા. મોડી રાત્રિના અમિત પટેલ પોતાની મારૂતી અલ્ટ્રો કાર લઈને મૂશળધાર વરસાદમાં રેલ્લાવાડા નજીક બી.ટી. છાપરા ગામે આવી ગયા હતા. ત્યાં નજીકમાં ઓઢાવા ગામના વાંઘા પાસે પાણીનો વહેણ બે કાંઠે વહી રહ્યો હતો તેવા સમયે કાર ચાલકે સામે પાર જવા માટે આ વાંઘાના ડીપમાં થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ પૂરજોશથી વધી જતાં ચાલક સાથે કાર પાણીના વહેણમાં ખેંચાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ રેલ્લાવાડા બી.ટી. છાપરા, શણગાલ, તેમજ કોલુન્દ્રા મેઘરજ, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા હજારો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાકીદે ઈસરી પીએસઆઈ એમ.ડી. પરમાર, મામલતદાર રમણલાલ પરમારને જાણ કરતાં પોલીસ કુમક તેમજ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. મોડીરાત સુધી શોધખોળ કરી હતી ત્યારે મૃતદેહ ઘટનાસ્થળેથી સાત કિમી પોન્ડેશ્વર શિવજીના મંદિર પાસેથી પસાર થતાં કોલુન્દ્રાના વાંઘા પાસેથી મળી આવ્યો હતો અને કાર પ૦૦મી દૂરથી પાણીના વહેણમાં મળી આવી હતી. લાશનું પીએમ કરાવ્યા બાદ મૃતદેહ વાલીવારસોને સોંપ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઓઢાવાના વાંઘા પાસે બ્રિજ બનાવવા છેલ્લા કેટલાય વર્ષોથી માગણી કરેલ છે. આ માગણી નહીં સ્વીકારતા સમગ્ર પંથકમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks