મેઘરજ, તા.૧૯
ગુજરાત સરકાર દીકરી ભણીગણીને મોટી થાય સ્વમાનભેર સલામત જિંદગી જીવી જાણે તે માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચી બેટી બચાવો, બેટી પઢાવોનો નારો લગાવી સમગ્ર રાજ્યમાં મોટું અભિયાન ચલાવી રહી છે. તેવા આ અભિયાનના લીરે લીરાં અરવલ્લી જિલ્લાના મેઘરજનગર અને તાલુકામાં ઊડી રહ્યા છે. તે સૌ કોઈને આંખને વળગે તેવા છે. આ લીરે લીરા ઉડાવનારા અપરાધીઓને સરકાર સાચા અર્થમાં ભીંસમાં લેશે તો અપરાધીઓ સ્કૂલ કોલેજમાં કે અન્ય કોઈની દીકરીઓ સામે આંખ ઉઠાવવાની હિંમત કરશે નહીં. અત્યારે તો આ તાલુકા અને નગરમાં દીકરીઓ સામે આંખ ઉઠાવીને જોવાની અપરાધીઓની હિંમત વધી ગઈ છે. એક પછી એક સમયાંતરે અપરણકારો દીકરીઓના અપહરણ કરી ફરાર થઈ જાય છે. માતા-પિતા આમતેમ શોધે છે પણ દીકરીઓ જડતી નથી. નિરાશ થઈ પોલીસને ફરિયાદ આપે છે. તેવા કિસ્સાઓ દીવો લઈને શોધવા જવું પડે તેમ નથી. કિસ્સાઓ મેઘરજ પોલીસ સ્ટેશનના ચોપડેથી મળી આવે છે. તેવા આ પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષ ઉપરના નોંધાયેલા વર્ષ ર૦૧૬-૧૭ દરમિયાન ર૦ કેસોમાં ર૧ જેટલી હિન્દુ-મુસ્લિમ દીકરીઓના અપહરણ થયા છે. જેમાંના ૧૪ કેસોમાં પોલીસે એફઆઈઆર ૬ કેસોમાં જાણવા જોગ જાહેરાત પોલીસ ચોપડે નોંધાયેલી છે. તેમના એક કેસમાં ર મુસ્લિમ દીકરીઓ અને ૧૩ કેસમાં હિન્દુ દીકરીઓની એફઆઈઆર અને જાણવા જોગ જાહેરાત ૬ કેસમાં ૪ હિન્દુ અને ર મુસ્લિમ દીકરીઓનું અપહરણ આ તાલુકા અને નગરમાંથી થયા છે. તેવા આ ર૦ કેસમાંથી ૧૦ કિસ્સાઓમાં હિન્દુ-મુસ્લિમ દીકરીઓ અને તેમના અપહરણકારોની ભાળ આજદિન સુધી મેળવી અપહરણકારોને પકડી શકી નથી. તેવા આ દસ કેસના ફરિયાદીઓ તેમની દીકરીઓની ભાળ અંગે પોલીસ સ્ટેશને વારંવાર ખબર પૂછવા જાય છે. પણ દર વખતે પોલીસ એક જ જવાબ આપે છે કે તપાસ ચાલુ છે. તેવા આ વારંવારના પોલીસના જવાબથી દીકરીઓના માતા-પિતા ચિંતામાં ગરકાઉ થયેલ પોતાના નસીબને દોષ દેતા દેતા હે માલિક અમારી દીકરીઓનું શું થતું હશે. તેની ચિંતામાં દિવસો પસાર કરી નરક જેવી જિંદગી પસાર કરી રહ્યા છે. પોલીસ દીકરીઓને અને તેમના અપહરણકારોને પકડીને આજદિન સુધી મેઘરજ પોલીસ સ્ટેશને પકડી લાવી કોર્ટમાં રજૂ કરી શકી નથી. તેવા સંજોગોમાં આ અપહરણ કરાયેલ દીકરીઓને આ અપહરણકારોએ ક્યાં અને કેવી હાલતમાં રાખી હશે. તે તો માલિક જાણે તો આ બાબતે ગુજરાત સરકારને આ દીકરીઓના માતા-પિતા નગર અને તાલુકાની જનતાની એવી લાગણી અને માગણી છે કે સરકાર આવા અપરાધીઓ સામે કડક હાથે કામ લે તેવો પોલીસને આદેશ કરશે ત્યારે જ સરકારની બેટી બચાવો, બેટી પઢાવો સૂત્ર સાર્થક નિવડશે અને દીકરીઓ સલામત જિંદગી જીવશે અને આવા બનતા બનાવો બનશે નહીં.