મેઘરજ, તા.૧૭
અરવલ્લી જિલ્લાના મેઘરજ વાસણા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની હોસ્ટેલમાં સરકારી બાબુઓ પોતાના માસિક વેતનમાં મકાન ભાડુ મેળવતા હોવા છતાં ગેરકાયદેસર વિદ્યાર્થીઓ સહિત રાત-દિવસ પડ્યા પાથર્યા રહેતા હોવાનો આ કિસ્સો નગર અને તાલુકામાં ચર્ચાસ્પદ બન્યો છે.
નગર અને તાલુકામાં ચર્ચાઈ રહેલી વિગત એવી છે કે મેઘરજ તાલુકાના વાસણા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલ છે અને આ કોલેજમાં સ્નાતક અને બી.એડ.ના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે ત્યારે બહાર ગામથી સરકારી કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે મેઘરજ સરકારી કોલેજ ગુજરાત સરકારના આદેશથી લાખો રૂપિયાના ખર્ચે હોસ્ટેલ ચાલુ કરવામાં આવી છે અને આ હોસ્ટેલનો મુખ્ય હેતુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરી શકે તે માટે છે. ત્યારે મેઘરજ સરકારી કોલેજના હોસ્ટેલના સંચાલકોને જાણે સરકારનો કોઈ ડર જ ન રહ્યો હોય એમ હોસ્ટેલના નીતિ-નિયમોને ઘોળીને પી ગયા છે. હોસ્ટેલની કેટલીક રૂમોમાં ગંદકીના ઢગે ઢગ અને સરકારી દસ્તાવેજો પણ કચરામાં વેર-વિખેર પડ્યા છે ત્યારે આ હોસ્ટેલની ઘોર બેદરકારી સામે આવી છે. વાડ જ ચીભડા ગળે છે તેવી સ્થિતિ આ કોલેજની હોસ્ટેલમાં જોવા મળી રહી છે. જેમાં હોસ્ટેલમાં કોલેજના કર્મચારીઓ અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને આવા ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ગેરકાયદેસર રહી પોતાની મનમાની કરી રહ્યા છે. ત્યારે આવા ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ કોની પરવાનગીથી અભ્યાસ પૂર્ણ થયો હોવા છતાં હોસ્ટેલમાં રહી રહ્યા છે, તેવા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રોકાણમાં કોણ મદદ કરે છે શું ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ કોલેજ અને હોસ્ટેલના મુખ્ય વડાને દેખાતા નથી આવા અનેક પ્રશ્નો કોલેજના વિદ્યાર્થીઓમાં અને મેઘરજની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત સરકારના લાગતાવળગતા તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવે તો મેઘરજ સરકારી કોલેજની હોસ્ટેલમાં ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓનું અને અન્ય બીજા મોટા કૌભાંડો બહાર આવી શકે તેમ છે.
જ્યારે ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ અંગે હોસ્ટેલની જવાબદારી નિભાવતા એક પ્રાધ્યાપકે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, બી.એડ. પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ રહે છે પણ તે વિદ્યાર્થીઓએ બી.એ.સેમ-૧માં પ્રવેશ મેળવ્યો છે. ખરેખર સત્ય હકીકતમાં બીએ પૂર્ણ કર્યા બાદ બી.એડ.માં પ્રવેશ મળે છે. ત્યારે આ પ્રાધ્યાપક ટેલિફોનિક વાતમાં ખોટી માહિતી આપી રહ્યા હતા. આ વાતનો ભાંડો ફૂટતાં ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી સિક્યુરિટીમાં નિમણૂક થયાનો ઓર્ડર માંગતા તેઓ નાસીપાસ થયા હતા અને ફોન પર વાત કરવાનું ટાળી ફોન મૂકી દીધો હતો. ત્યારે આવા પ્રાધ્યાપક કે જેમને બીએડ પહેલાં બીએ થાય કે પછી તેની જાણ શુદ્ધા આ પ્રાધ્યાપકને ન હોતી.
આ સમગ્ર બાબતે સરકાર દ્વારા આ સરકારી કોલેજની હોસ્ટેલમાં ઉચ્ચ કક્ષાએથી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.