(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભાજપની સાથે જમ્મુ-કાશ્મીરમાં સત્તાની ભાગીદારી પૂર્ણ થયા બાદ પૂર્વ સીએમ મહેબૂબા મુફતી કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરતાં જોવા મળી રહ્યા છે. આ વખતે રાજસ્થાનના અલવરમાં રાતના અંધારામાં ગાય લઈ જઈ રહેલા શખ્સની ટોળા દ્વારા હત્યા કરવા અંગે તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. મહેબૂબાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ખાવા-પીવાની આદતોના નામે આજે મોબ લિંચિંગના પક્ષમાં તર્ક આપવામાં આવી રહ્યા છે. આજે કોઈ શું આરોગી રહ્યું છે, એ વાતનો સહારો લઈને ટોળા દ્વારા કરાતી હત્યાને યોગ્ય ઠેરવવામાં આવી રહી છે, કાલે…. દુષ્કર્મ જેવા ગુનાઓના પક્ષમાં પણ તર્ક આપવામાં આવી શકે છે. શું આપણે આવા જ ભારતની કલ્પના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમારે મંગળવારે (ર૪ જુલાઈએ) કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દુઓની લાગણીઓનું સન્માન કરવું જોઈએ અને ગૌહત્યા ના કરવી જોઈએ. જો મુસ્લિમ ગૌહત્યા બંધ કરી દેશે તો મોબ લિંચિંગ આપોઆપ જ બંધ થઈ જશે. અલવર લિંચિંગ મુદ્દે પ્રતિક્રિયા આપતાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંરક્ષકે કહ્યું કે ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસાના ગુણગાન ગાઈ શકાય નહીં. જો કે, પોતાના નિવેદન સાથે તેમણે તે પણ ઉમેર્યું કે જેટલા પણ ધર્મ છે, કોઈપણ ધાર્મિક સ્થળ પર ગૌહત્યા કરી શકાય નહીં. સંરક્ષકે આ કેસને સંસ્કાર સાથે જોડયો છે.