મહેસાણામાં નીતિન પટેલનો વિજય, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનો પરાજય

(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૧૮
મહેસાણા જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે આજે બાસણા ખાતેની ઈજનેરી કોલેજમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી મતગણતરીના અંતે મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી અને ખેરાલુ બેઠકો ઉપર ભાજપને જીત મળી છે. જ્યારે બેચરાજી અને ઊંઝા બેઠક કોંગ્રેસને ફાળે આવી છે. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૨માં પણ મહેસાણા જિલ્લામાં કોંગે્રસને ૨ અને ભાજપને પાંચ બેઠકો પ્રાપ્ત કરી હતી.
મહેસાણાની બેઠક ઉપર મોડી સાંજ સુધી ગણતરી ચાલુ રહેવા પામી હતી જો કે,આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલ કોંગ્રેસના ઉમેદવાર જીવા પટેલને પરાજિત કરીને બીજીવાર વિજેતા બન્યા છે. પોતાની જીત બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર રાજ્યમાં વિકાસનો રથ આગળ વધારશે. ઊંઝા બેઠક ઉપરથી ભાજપના દિગ્ગજ નારાણ પટેલને ૧૯,૫૨૯ મતોથી હરાવીને કોંગ્રેસના આશાબેન પટેલે જીત મેળવી છે. આ બેઠક ઉપર મતગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસ આગળ રહ્યું હતું અને છેવટે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખેરાલુ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ થતાં ભાજપના ઉમેદવાર ભરતજી ડાભી ફાવી ગયા છે અને તેમણે કોંગ્રેસના રામાજી ઠાકોર અને અપક્ષ મુકેશ દેસાઈને ૨૧,૪૧૫ મતે પરાજિત કર્યા છે. બેચરાજી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલને ૧૪,૮૭૦ મતોથી હરાવીને કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોરે અપસેટ સર્જયો છે. કડી બેઠક ઉપર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય રમેશ ચાવડાને ૭,૭૪૬ મતોથી હરાવીને ભાજપના ઉમેદવાર કરશન સોલંકી વિજેતા બન્યા છે. વિસનગર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલ સામે રસાકસી વચ્ચે ભાજપના સીટિંગ ધારાસભ્ય ઋષિકેષ પટેલ માત્ર ૧,૧૨૪ મતે વિજયી થયાં છે. જ્યારે વિજાપુરની બેઠક ઉપર કોંગ્રેસના નાથા પટેલને ૧,૧૬૪ મતોથી હરાવીને ભાજપના રમણભાઈ પટેલનો વિજય થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks