નીરવ મોદીના મામા મેહુલ ચોકસી એન્ટીગુઆમાં, સ્થાનિક પાસપોર્ટ મેળવ્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪
ભારત બહાર ફરાર થઇ ગયેલા પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી મેહુલ ચોક્સી અંગે મોટી જાણકારી મળી છે. સૂત્રો મારફત મળેલી માહિતી મુજબ, મેહુલ ચોક્સીએ અમેરિકાથી એન્ટીગુઆ આઇલેન્ડમાં આશરો લીધો છે.
સૂત્રો અનુસાર, મેહુલ ચોક્સી ગઇ ૮ જુલાઇના રોજ અહીના વી. સી. બર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેના એક દિવસ પછી જ ભારતીય એજન્સીઓએ અમેરિકા સાથે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની શક્યતા પર ચર્ચા કરી હતી. જાણકારી મળી છે કે મેહુલ ચોક્સીએ અમેરિકાથી એન્ટીગુઆ જવા માટે જેટ બ્લુ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો. વળી, નોંધપાત્ર વાત એ છે કે મેહુલે આ વિમાનપ્રવાસ માટે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કર્યો ન હતો.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, મેહુલ ચોક્સીએ એન્ટીગુઆનો પાસપોર્ટ મેળવી લીધો છે. એન્ટીગુઆના કાયદા અનુસાર, જો કોઇ વ્યક્તિ ત્યાંની ૪ લાખ યુએસ ડોલરની કિંમતની પ્રોપર્ટી ખરીદે તો તેને ત્યાંની નાગરિકતા મળી જાય છે. તે ઉપરાંત જો કોઇ કારોબારી ત્યાં ૧.૫ મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરે તો પણ તેને એન્ટીગુઆની નાગરિકતા મળે છે. બીજી મોટી વાત એ છે કે ત્યાંના નિયમો પ્રમાણે, પાસપોર્ટ હાંસલ કરવા માટે ત્યાં હાજર રહેવું જરૂરી નથી. તેથી એવું કહી શકાય કે મેહુલ ચોક્સીએ પોતે ફરારના સમયગાળા દરમિયાન જ એન્ટીગુઆનો પાસપોર્ટ મેળવી લીધો હશે અને હવે તે ત્યાં પહોંચી ગયો છે. મેહુલ ચોકસીના એન્ટિગુઆ પહોંચ્યાના એક દિવસ બાદ ભારતીય તપાસ એજન્સીઓએ અમેરિકા સાથે તેના પ્રત્યાર્પણની વાત કરી હતી. પરંતુ અમેરિકાની એજન્સીઓનો દાવો હતો કે મેહુલ ચોકસી તેમને ત્યાં નથી.
ઉલ્લેખનીય છે કે આશરે ૧૧ હજાર કરોડના પીએનબી છેતરપીંડી કૌભાંડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી મુખ્ય આરોપી છે. નીરવ મોદી અને મેહુલ બંને ફરાર છે. નીરવ સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે. જ્યારે મેહુલ સામે નોટિસ મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. મેહુલ ચોક્કીએ તાજેતરમાં જ એક પત્ર લખીને કહ્યું છે કે તે જો તપાસમાં સહયોગ માટે ભારતમાં આવે તો મોબ લિંચિંગનો શિકાર બની શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks