મુંબઈ, તા.૧૭
પીએનબી ફ્રોડમાં આરોપી મેહુલ ચોક્સીએ આગામી ત્રણ મહિના સુધી ભારત આવવાની ના પાડી દીધી છે. ચોકસીને ભાગેડુ જાહેર કરવાની માગણી વિશે દાખલ કરવામાં આવેલી અરજી વિશે મુંબઈની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન મેહુલના વકીલે કહ્યું કે, ચોક્સી યાત્રા કરવા માટે સંપૂર્ણ સ્વસ્થ નથી. તેથી કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનું નિવેદન નોંધી શકે છે. વકીલે કહ્યું કે, ચોક્સીનું નિવેદન નોંધવા માટે ઈડીના ઓફિસર એન્ટીગુઆ પણ જઈ શકે છે અથવા તેનું સ્વાસ્થય સારૂં થાય અથવા ત્રણ મહિના સુધી રાહ જોઈ શકે છે. તો મેહુલ ચોકસી સાજો થઈને પોતાનું નિવેદન નોંધાવા જાતે જ કોર્ટમાં આવશે. પીએનબી કૌભાંડમાં મેહુલ વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીને મેહુલને ભાગેડુ જાહેર કરવાની અરજી કરી છે. મેહુલ ચોક્સી નીરવ મોદીની સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી છે. નીરવ અને ચોક્સી પર ૨૦૧૧થી ૨૦૧૮ દરમિયાન નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા વિદેશી ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. મેહુલ હાલ એન્ટીગુઆમાં છે. સીબીઆઈ તેના પ્રત્યર્પણનો પ્રયત્ન કરી રહી છે.
મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ભારત પ્રવાસ કરવા સક્ષમ નથી : વકીલે ED કોર્ટને જણાવ્યું
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
મેહુલ ચોક્સીના વકીલે ઈડીની આસ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો અસીલ શારીરિક રીતે સ્વસ્થ ન હોવાથી એન્ટીગુઆથી ભારત નિવેદન આપવા આવી શકે તેમ નથી. ચોક્સીના વકીલ સંજય અબોટે કોર્ટને કહ્યું કે, હાલમાં તે મેડિકલ ફીટ નથી જેથી પ્રવાસ કરી શકે તેમ નથી. જેથી તેનું નિવેદન વીડિયો કોન્ફરન્સથી કે ઈડીના અધિકારીને એન્ટીગુઆ મોકલી રેકોર્ડ કરાવી શકાય. નહીંતર ત્રણ માસની રાહ જુઓ જ્યાં સુધી સ્વાસ્થ્ય સુધરે નહીં. તેઓ નિવેદન આપવા ભારત આવશે.