વડોદરા, તા. ૨૪
વડોદરાના આજવા રોડ પર શાકભાજી લઇને ઘરે જઇ રહેલી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇનની લૂંટ કરનાર બે પૈકીના એકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો. લોકોએ ઝડપાયેલા લૂંટારૂને બાપોદ પોલીસને સોંપતા પોલીસે લૂંટના ગુના હેઠળ તેની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાના આજવા રોડ પર આળેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અર્પીતા દેસાઇ સોમવારે સાંજે ઘર નજીક આવેલી શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ બાઇક પર આળેલા બે પૈકીના એક યુવકે તેઓએ પહેરેલા મંગળસૂત્ર અને સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. બનાવને પગલે અર્પીતાબેને બુમરાણ મચાવતા લોકો એકત્ર થયા હતા અને ભાગી રહેલા બે પૈકીના એક લૂંટારૂને ઝડપી લીધો હતો. જોકે બીજો યુવક સ્થળ પરથી ફરાર થયો હતો.
લોકોએ ઝડપાયેલ યુવકને મેથીપાક ચખાડી બાપોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની પુછપરછ કરતાં તેણે આજવા રોડ એકતાનગરમાં રહેતો અનવરહુસેન ઉર્ફે મુનાફ દસ્તગીર સીંધી હોવાનું જણાવ્યું હતું. જ્યારે લૂંટ કરી ભાગી છુટેલા તેના સાગરીતનું નામ સમીર ઉર્ફે સલીમ શેખ તે પણ એકતાનગર રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમીર ઉર્ફે સલીમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. બાપોદ પોલીસે બંને વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.