ભૂજ ખાતે કચ્છ એકતા મંચની સ્થાપના કરવાનું મેવાણીનું એલાન

(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧૩
વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તા.૧૩-૬ રોજ કચ્છની મુલાકાત દરમ્યાન કચ્છની સમસ્યાઓને વાચા આપવા માટે કચ્છ એકતા મંચની સ્થાપના કરવાનું ભૂજ ખાતે એલાન કર્યું હતું. કચ્છ એકતા મંચની સ્થાપના કરવાની જાહેરાતે ભાજપ-કોંગ્રેસમાં હડકંપ મચાવી દીધો છે અને ર૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે કચ્છની અનામત બેઠક ઉપરથી શું જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડશે ? તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તા.૧૩-૬ની સવારે પૂર્વ કચ્છમાં અંજાર તાલુકાના ભીમાસર ગામે પહોંચ્યા હતા અને થોડા સમય અગાઉ અહીં આંબેડકરની પ્રતિમા ઉપર જૂતાનો હાર પહેરાવવાની ઘટનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસને અલ્ટીમેટ આપી જાહેરાત કરી હતી કે આરોપી જલ્દીથી નહી પકડાય તો દલિત સમાજની સાથે તેઓ રસ્તા ઉપર ઉતરી આવશે.
બીજી તરફ ભૂજખાતે આંબેડકર ભવન હોલમાં જીજ્ઞેશ મેવાણીના લોકસંવાદ માટે તંત્ર દ્વારા જગ્યા આપવાની છેલ્લી ઘડીએ ના પાડવામાં આવતા જીજ્ઞેશ મેવાણીએ લોકોના પ્રશ્નો ભૂજના સર્કિટ હાઉસ ખાતે સાંભળ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે ભૂજની સરકારી હોસ્પિટલનું સંચાલન અદાણી જૂથને સોંપવા બાદ વહીવટ કથળ્યો છે અને હોસ્પિટલમાં માસુમ બાળ દર્દીઓના મોતનો આંકડો ઉંચો ગયો છે. તેની તપાસ પણ થવી જોઈએ.
સદભાવના મિશન વખતે નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જાહેર કરેલા ર૧૦૦ કરોડના પેકેજની માગણી જીજ્ઞેશ મેવાણીએ કરી હતી. કચ્છમાં ૧રપ કરોડના ખર્ચે આંબેડકરની પ્રતિમાં ઉભી કરવાની જાહેરાત પણ નરેન્દ્ર મોદી ભૂલી ગયા છે. તેને યાદ કરાવીને મેવાણીએ કહ્યું કે હવે મોદી ૧રપ કરોડના ખર્ચે લોકોની સેવા માટે હોસ્પિટલ બનાવી આપે. કચ્છની સમસ્યાઓને વાચા આપવા કચ્છ એકતા મંચના તમામ વર્ગને સમાવી લઈ કામ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું.
વારંવાર કચ્છ મુલાકાત બદલ જીજ્ઞેશ મેવાણી લોકસભા ચૂંટણી કચ્છમાંથી લડશે ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હું ર૦૧૯-ર૦ર૧ અને જ્યાં સુધી જીવિત હોઈશ ત્યાં સુધી કચ્છ આવતો રહીશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks