(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૫
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મ્યુનિ. કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આજે વિધાનસભા બજેટ સત્રમાં થયેલ લોકશાહીના ચીરહરણની ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. મેયરની લોહિયાળ બનેલી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના સભ્યો વચ્ચે મારામારી, માઈક તથા ખુરશીઓ ઉછળવા પામી હતી. પોલીસ સાથે પણ ધક્કા-મુક્કી અને ઉગ્ર બોલાચાલી સૂત્રોચ્ચાર સાથે દેકારો મચી જતા મ્યુનિ. સભા જાણે સમરાંગણ બની હોય તેમ જણાઈ આવતું હતું અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તો બીજી તરફ ભારે ઉત્તેજના અને હોબાળા વચ્ચે મેયરની ચૂંટણી યોજાઈ હતી. આજે મ્યુનિ. કોર્પો.ની સામાન્ય સભામાં સૌપ્રથમ કોંગ્રેસના કોર્પોરેટર્સે તેમના અપહરણ કરાયેલા કોર્પોરેટર અંકિત બારોટને હાજર કરવાની માંગ સાથે ધાંધલ ધમાલ મચાવી હતી. અંકિત બારોટ આવે નહીં ત્યાં સુધી સામાન્ય સભા શરૂ થવા નહીં દેવાય તેવી માગણી સાથે દેખાવો કરતાં કોંગ્રેસના કોર્પોરેટર્સે ખુરશીઓ ઉછાળી હોવાનું જાણવા મળેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા સોમવારે ૧૧.૩૦ કલાકે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. ભાજપના કોર્પોરેટર્સ લકઝરી બસમાં એક સાથે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાએ સભાખંડની બારીનો કાચ તોડી સ્યૂસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન તેમના જમણા પગે ગંભીર ઈજાઓ થતાં લોહી-લુહાણ થઈ ગયા હતા. જેને પગલે સભાખંડમાં જ તેમને તબીબ બોલાવી પાટાપીંડી કરવી પડી હતી. ભારે અરાજકતાભર્યા માહોલમાં ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા મયુરસિંહ ચાવડા સભાખંડમાં આવી પહોંચ્યા હતા. સભાખંડમાં પણ પોલીસ, મહિલા પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો હતો. પત્રકારો તેમજ બંને પક્ષોના આગેવાનો પણ આવી પહોંચ્યા હતા. પોલીસ વડા પોતે તેમને બહાર કાઢવામાં લાગ્યા હતા. પોલીસ દ્વારા બળપ્રયોગ કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ તરફથી કરાઈ રહ્યો છે. મ્યુનિ. સભાખંડમાં ધાંધલ-ધમાલ થયા પહેલા ભાજપના કોર્પોરેટર જયદિપસિંહ પરમારને ડેન્ગ્યુ થયો હોવા છતાં તેઓ હાજર રહેતા તેમને ચક્કર આવવા સાથે વોમિટીંગ થયું હતું. જેના કારણે તેમને પણ સભાખંડની બહાર મેયર મેમ્બરમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા અને બળદેવ ઠાકોર દ્વારા ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલને હાલ પૂરતી સભા મોકૂફ રાખવા માટે રજૂઆત કરી સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. કમિશનરની બદલી થઈ હોવાથી કલેકટરે અધ્યક્ષ સ્થાન પરથી સભાનું સંચાલન કર્યું હતું. જ્યારે ધાંધલ-ધમાલ બાદ કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી. ભાજપ તરફથી મેયર પદ માટે રીટાબહેન કેતન પટેલનું ઉમેદવારી પત્ર ભરાવાયું હતું. જ્યારે કોંગ્રેસ તરફથી પીન્કીબેન રજની પટેલનું ઉમેદવારી પત્ર ભરાયું હતું. મેયરની ચૂંટણીમાં ભાજપના રીટાબહેન પટેલને ૧૬ મત અને કોંગ્રેસના પીન્કીબેન પટેલને ૧૪ મત મળ્યા છે. જ્યારે મેયરનો મત સીલબંધ કવરમાં રાખવામાં આવ્યો હતો. આમ મેયરનો મત રર નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં ખોલવામાં આવશે. તે વખતે ચૂંટણીનું પરિણામ સત્તાવાર જાહેર કરવામાં આવશે. ડે. મેયર માટે ભાજપ તરફથી નાજાકુમાર ઘાંઘર તેમજ કોંગ્રેસ તરફથી જીતુ રાયકાનું નામ ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
ભાજપના મેયરે માઈક વડે મારીને ઘાયલ કર્યાનો આક્ષેપ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.પ
કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના કોર્પોરેટર તેમજ વર્તમાન મેયર પ્રવીણ પટેલે તેને માઇક મારીને ઘાયલ કર્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના નેતાઓને ગુંડા કહેતા જણાવ્યું હતું કે, સત્તા માટે આ લોકો બેફામ બની ગયા છે. બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરોએ સભા દરમિયાન ધમાલ મચાવતા બારીના કાચ તોડ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. સભા દરમિયાન પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.
ભાજપના નેતા પર પોતાનું અપહરણ કરવાનો આક્ષેપ
ગાંધીનગર, તા.૫
ગાંધીનગરના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટની મોડેથી ભાળ મળી આવી હતી અંકિત બારોટ ગત સાંજથી ગાયબ હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહાપાલિકાની સામાન્ય સભા પહેલા તેઓ ગુમ થયા હતા. ધાંધલ-ધમાલવાળી સામાન્ય સભામાં પણ તેઓ પહોંચ્યા નહોતા. તેમણે ભાજપના નેતા પર અપહરણ કરવાનો આરોપ મુક્યો છે અને પુરાવા સાથે અપહરણની પોલીસ ફરિયાદ પણ કરી છે. અંકિત બારોટે કહ્યું હતું કે તેમને ગાડીમાં બેસાડી ધનસુરા લઈ જવાયો હતો. તેઓ ગુમ થયેલા ૧૮ કલાક બાદ ચિલોડાથી મળી આવ્યા હતા. અંકિતનો આરોપ છે કે ભાજપે તેને ૧૫ થી ૨૦ લાખ રૂપિયા અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદની ઓફર કરી હતી. પરંતુ તેણે ઓફર ઠુકરાવી દીધી. અંકિતે દાવો કર્યો કે તે કોંગ્રેસમાં છે અને રહેશે. જ્યારે કે ગાંધીનગરના એસપી મયુરસિંહ ચાવડાએ કહ્યું છે કે અંકિતે કરેલા આક્ષેપો મુદ્દે તેઓ તપાસ કરશે.
લોકશાહીને કલંકરૂપ એવું
આ કોંગ્રેસનું વરવું પ્રદર્શન
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.પ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ ગાંધીનગર મ્યુનિ. કોર્પો.માં હિંસાત્મક દેખાવો અંગે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ હોવાથી કોંગ્રેસ હતાશા-નિરાશામાં હિંસા પર ઉતરી છે. કોંગ્રેસના કોર્પોરેટરો માઈકો તોડે, કાચ ફોડે અને ભાજપ ઉપર જુઠ્ઠા આક્ષેપો કરે છે તે મીડિયા દ્વારા ગુજરાતની જનતાએ જોયું છે. આજે મહાપાલિકાના ગૃહમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ જેવી રીતે તોડફોડ કરી છે, હિંસા ફેલાવી છે તે શરમજનક છે અને લોકશાહીને કલંકરૂપ એવું આ કોંગ્રેસનું વરવું પ્રદર્શન છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ આંતરીક તીવ્ર જૂથબંધી છે. કોંગ્રેસ પોતાના અંદરોઅંદરના ઝઘડાને કારણે સભ્યોને સાચવી શકતી નથી તેથી કેટલીક તાલુકા, જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું હતું.