અમદાવાદ,તા.૧૭
ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર અનેક કાર્યક્રમો અને અભિયાનો કરે છે. આમ છતાં પણ શિક્ષણનું સ્તર ન સુધરતા અંતે રાજ્યના શિક્ષણ વિભાગે ’મિશન વિદ્યા’ નામના કાર્યક્રમનો ફતવો બહાર પાડી રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ધારાસભ્યો તથા ભાજપના હોદ્દેદારોને શાળાઓનું ઈન્સ્પેક્શન કરવા માટેનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. શિક્ષણ વિભાગના મિશન વિદ્યાના નવા કાર્યક્રમમાં સરકાર ફરીવાર શાળાઓમાં જશે. જેના માટે શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ છથી આઠના આ કાર્યક્રમમાં શાળાઓ એક કલાક વહેલી શરૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેની સામે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક શિક્ષણમાં ખાસ કરીને ધોરણ ૬-૭-૮માં ભણતાં વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ વાંચન, ગણન અને લેખનમાં પ્રમાણમાં નબળા છે,એવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્યમાં ૨૬ જુલાઇથી સળંગ એક મહિના માટે ’મિશન વિદ્યા’નો પ્રારંભ કરવામાં આવશે.
’મિશન વિદ્યા’નો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે તે શાળામાં જઇને કરાવશે અને તે સાથે જ સમગ્ર રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીથી લઇ તમામ મંત્રીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પોતાને ફાળવવામાં આવેલી શાળામાં જઇને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને વાંચન, ગણન અને લેખનકાર્ય કરાવી વિદ્યાર્થીઓને વધુ સજ્જ કરશે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાન બાદ થર્ડ પાર્ટી ઇવોલ્યુએશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાન દરમિયાન શિક્ષણ પ્રક્રિયાનું, વિદ્યાર્થીઓનું સતત મોનિટરીંગ કરવામાં આવશે અને પ્રમાણમાં નબળા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ બનાવાશે.