સિડની,તા.૨૦
ઑસ્ટ્રિેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ જહોનસને કહ્યું હતું કે તેનું શરીર વધુ શ્રમ ન ઝીલી શક્તું હોવાના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ત્રણ વર્ષ પૂર્વે વિદાય લીધા પછી હવે બધા પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.
૩૬ વર્ષનો જહોનસન ગયા મહિને બિગ બેશ લીગ (બી. બી. એલ.)માં પર્થ સ્કોર્ચર્સની ટીમમાંથી ખસી ગયો હતો, પણ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) કે અન્ય રાષ્ટ્રીય સર્કિટની ટી-૨૦ સ્પર્ધામાં રમવા ઉપલબ્ધ હતો.
પણ, તેણે કહ્યું હતું “હવે બધું સમાપ્ત થઈ ચૂક્યું છે અને મેં મારો આખરી બોલ ફેંકી દીધો છે તથા હું બધા પ્રકારની ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું, એમ જહોનસને વેબસાઈટ પર લખ્યું હતું.
જહોનસને કહ્યું હતું કે અગાઉ તે વિવિધ ટી-૨૦ સ્પર્ધામાં આવતા વર્ષ સુધી રમવાનો વિચાર રાખતો હતો, પણ હવે તેનું શરીર શ્રમ કરી શકતું નથી.
તેણે ૨૦૦૭માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી ઑસ્ટ્રેલિયા વતી ૭૩ ટેસ્ટમાં રમી કુલ ૩૧૩ વિકેટ ઝડપી હતી.
ભૂતપૂર્વ મહાન ઝડપી ગોલંદાજ ડેનીસ લિલીએ જહોનસનને ‘યુગમાં ફક્ત એક વાર જોવા મળતા બૉલર’ તરીકે ગણાવ્યો હતો.