જામનગર, તા. ર૭
જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચારી બનેલા મીઠાપુરના મ્યાઉ-મ્યાઉ ડ્રગ્સ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જામનગરના જીગ્નેશ વોરાને એક ચોકકસ બાતમીને આધારે આર આરસેલની ટુકડીએ મુંબઇના બોરીવલી સ્ટેશન ખાતેથી દબોચી લીધો હતો. ગઇકાલે તેને કોર્ટમાં રજૂ કરી ૧૨ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. રિમાન્ડ દરમ્યાન અત્યાર સુધી કોને-કોને ડ્રગ્સ આપ્યું તે સહિતની ચોંકાવનારી વિગતો બહાર આવવાની તપાસનીશ દ્વારા શકયતાઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં અગાઉ કેટલાક શખસોની ધરપકડ અને રિમાન્ડ લેવામાં આવી હતી, જેમાં રાજકોટ, જામનગર સહિતના શખ્સોનો સમાવેશ થતો હતો. ઓખા મંડળના મીઠાપુર નજીકના આરંભડા ગામે તાજેતરમાં જ એમડી મેફેડ્રોન-મ્યાઉ-મ્યાઉ તરીકે ઓળખાતા ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવ્યો હતો, એટીએસ, એસઓજી, એલસીબી, મીઠાપુર પોલીસ, આરઆરસેલ સહિતનો કાફલો તપાસમાં જોડાયો હતો અને તબક્કાવાર આરોપીઓને ઝડપી લઇ ડ્રગ્સની મીની ફેકટરીનો પદાર્ફાશ કરી આરોપીઓને રિમાન્ડમાં લીધા હતા. દરમ્યાનમાં ડ્રગ્સ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર જામનગરની મતવા શેરીમાં રહેતા જીગ્નેશ સુભાષ વોરા નામનો શખ્સ નાશી છુટયો હતો, આથી તેને શોધી કાઢવા જુદી-જુદી ટુકડીઓ કામે લાગી હતી, દરમ્યાનમાં આરઆરસેલના પીએસઆઇ કુણાલ પટેલની સૂચનાથી સ્ટાફના રઘુભા અને ચન્દ્રવિજયસિંહને મળેલી બાતમીના આધારે મુંબઇ તપાસ લંબાવી હતી અને બોરીવલી સ્ટેશન રોડ પર મૂળ જામનગરના જીગ્નેશ વોરાને દબોચી લેવામાં આવ્યો હતો.