અમરેલી, તા. ૧૭
અમરેલીમાં મિઝલ રૂબેલા વેક્સીન લીધા બાદ ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓને રિએક્શન થતા અને શ્વાસ રૂંધાતાં તાબડતોડ સારવારમાં ખસેડાઈ હતી. જ્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું કે, વેક્સિનના કારણે સમસ્યા થયેલ નથી. ત્યારે જે સ્કૂલની વિદ્યાર્થીનીઓને રિએક્શનની અસર થઈ છે. તે સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું કે, કદાચ છોકરીઓએ વેક્સીન લીધા પહેલા જામેલ નહીં હોઈ તેના કારણે આવું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરની ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓને વેક્સીન લીધા બાદ રિએક્શન આવતા અમૂક શાળાના સંચાલકો ગભરાઈ ગયા હતા અને આરોગ્ય કર્મચારીઓને મારી રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં મિઝલ રૂબેલા નામની વેક્સીન (રસી) આપવાનો ૧૬ જુલાઈથી કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હતો. જેમાં અમરેલીમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક સ્કૂલ તેમજ હાઈસ્કૂલમાં મિઝલ રૂબેલા વેક્સીન (રસી) વિદ્યાર્થીઓને આપવા માટેનો કાર્યક્રમ હાથ ધારાયો હતો. જેમાં ૦ વર્ષથી લઇ ૧૫ વર્ષ સુધીના બાળકોને આ રસી આપવાનું આયોજન કરાયું હતું. જેમાં અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ પટેલ સંકુલમાં અભ્યાસ કરતી ધોરણ ૯ અને ૧૦માં ભણતી ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓએ રસી લીધા બાદ રિએક્શન આવતા તાત્કાલિક સારવારમાં ખસેડેલ હતી. જેમાં વિદ્યાર્થિનીઓને શ્વાસ રૂંધાવા લાગતાં અને પેટમાં તકલીફ થતાં ઓક્સિજન ઉપર મૂકવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીનીઓની સારવાર બાદ હાલત એકદમ સારી થઇ જવા પામી હતી. આરોગ્ય અધિકારીને આ બાબતે પૂછતાં તેમણે કહેલ કે, રસી લેવાના કારણે આવું બનેલ નથી. જ્યારે જે રિએક્શન આવેલ પટેલ સંકુલની સંસ્થાના ટ્રસ્ટીઓએ કહેલ કે, વેક્સિનની ક્વોલિટીના કારણે આવું બનેલ નથી પરંતુ છોકરીઓએ કદાચ ભૂખ્યા પેટે રસી લીધી હોવાથી આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.