પાટીદાર આંદોલનની પ્રથમ રેલી વેળા જેમના કાર્યાલયમાં તોડફોડ અને આગચંપી થઈ હતી તેવા
(સંવાદદાતા દ્વારા)
વિસનગર, તા.ર૮
પાટીદાર અનામત આંદોલનની પ્રથમ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ અને આગચંપીનો બનાવ બન્યો હતો. ત્યારબાદ ફરી એકવાર વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર પથ્થરમારો કરી સળગતા કાકડા નાંખી જીવલેણ હુમલો કરાતા તેમણે વિસનગર પોલીસ સ્ટેશને ૬ શખ્સોના નામજોગ સહિત કુલ ૩૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.
વિસનગરના ધારાસભ્ય પર અવારનવાર હુમલા થતાં હોવાનું સામે આવી રહ્યું છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલ બુધવારે રાત્રે તેમની ગાડી લઈ આઈટીઆઈ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફાટક પાસે પહેલેથી જ રાહ જોઈ બેઠેલા કેટલાક શખ્સોએ હિંચકારો હુમલો કર્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા સાથે બેઠેલા શખ્સોએ ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી આવતાંની સાથે જ પથ્થરમારો કર્યો હતો. જ્યારે ગાડી સળગાવી દેવા માટે સળગતા કાકડા ફેંકવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે આ બાબતે ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા છ શખ્સોના નામ જોગ તથા કુલ મળી રપથી ૩૦ શખ્સોે સામે વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધતા આ કેસની ગંભીરતા સમજી તપાસ એલસીબી પોલીસને સોંપવામાં આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનની પ્રથમ રેલી દરમ્યાન ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે બંધના એલાન દરમ્યાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસ સળગાવી દેવામાં આવી હતી. બાદમાં ધારાસભ્યની ગાડી પર પથ્થરમારો કરી સળગાવી દેવાનો પ્રયાસ કરતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્ય પર થયેલા હુમલાને વખોડી કાઢવા તેમજ શખ્સોને ઝડપી પાડવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી પર બુધવારે થયેલા હુમલા બાદ ધારાસભ્યએ ફરિયાદમાં લખાવ્યું છે કે આ કામના આરોપીઓએ વિસનગર શહેરમાં તેમની હિંસક પ્રવૃત્તિઓને વેગ આપવા તથા પોતાની દાદાગીરી બતાવી પ્રજા પ્રત્યે ભયભીત દેખાડી પૂર્વ આયોજિત કાવતરૂં રચી તેમને મારી નાંખવાના ઈરાદે ગાડી ઉપર પથ્થર ફેંકી કાચ તોડી સળગતા કાકડા ફેંકી ગાડી સાથે તેમને સળગાવી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. ધારાસભ્ય ઋષિકેશ પટેલની ફરિયાદ આધારે પોલીસે આઈપીસી ૩૦૭, ર૦-બી, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૬, પ૦૬/ર, ૪ર૭ તથા જીપીએસ ૧૩પ મુજબ ગુનો નોંધી તપાસ એલસીબી પીઆઈ આર.એસ. પટેલને તપાસ સોંપવામાં આવી છે.