(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
ગઇકાલે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસના પણ સંભવિત ઉમેદવારોના લિસ્ટ મુજબ સી.જે ચાવડા કે જેઓ ગાંધીનગર બેઠક પરથી ધારાસભ્ય છે તેઓ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે. તે લગભગ નક્કી મનાય છે.
વર્ષ ૧૯૮૯થી ગાંધીનગર બેઠક ભાજપાનો અજેયગઢ ગણાય છે, કારણ કે છેલ્લી ૬ ટર્મથી આ લોકસભા સીટ પર ભાજપા જીતી રહી છે. ત્યારે સી.જે ચાવડા માટે ગાંધીનગર બેઠક લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. આ વિશે વાતચીત કરતાં સી.જે.ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ વતી હું જ લડીશ. અમિત શાહના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની આજે ગુજરાતમાં કફોડી હાલત છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે સી.જે.ચાવડાની ટક્કર થવાની શક્યતા છે. કોગ્રેસ વતી ગાંધીનગર બેઠક માટે સી.જે. ચાવડા નામની જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા સી.જે ચાવડા આવતાં જંગ એક તરફી બની રહેશે. તેવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ હવે ગાંધીનગરમાંથી સી.જે.ચાવડાને જ ટિકિટ સામે આવે છે કે તો પણ છેલ્લી ઘડીએ કોઈ અન્યને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું.