(સંવાદદાતા દ્વારા) પાટણ, તા. ૧
પાટણ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં દુદખા ગામના અરજદારોની જમીન મામલે આત્મવિલોપન કરી દેહનું બલિદાન આપનાર સ્વ. ભાનુપ્રસાદ વણકરના મૃત્યુ બાદ રાજ્યની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વિવિધ માગણીઓ સ્વીકારી તેના ઉકેલ માટેની બાહેધરી આપી હતી. તેમજ આત્મવિલોપનના બનાવની તપાસ માટે શીટની રચના કરવામાં આવી હતી. બનાવના પાંચ મહિના બાદ પણ સરકારે સ્વીકારેલી માગણીઓ પુરી નહીં થતાં તેમજ જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ પગલા ભરવામાં નહીં આવતાં આજે પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી આવેદનપત્ર આપી સરકારે આપેલા વચનો ૧પ દિવસમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ફરીથી પુનઃ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ સમયે કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત દલિત સમાજના આગેવાનોએ સ્વ.ભાનુપ્રસાદ વણકરના પરીવારને ન્યાય આપો, તેમજ દલિત વિરોધી ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સરકાર દ્વારા આ મામલે ૧પ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાટણ કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ કરી ફરી આંદોલન કરવાની ફરજ પડશે તેવી આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.