Ahmedabad

MLAની ટિકિટ એકને જ મળે છે પણ સરકારમાં તમને સ્થાન મળશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમના અંતે કાર્યકરોને માર્ગદર્શન આપતા અને પ્રોત્સાહન પુરૂં પાડતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તમારી પાસે મુદ્દાઓની કોઈ અછત નથી, ખેડૂતો, આદિવાસીઓ, નોટબંધી, જીએસટી, બેરોજગારી, ૧પ લાખ ખાતામાં જમા કેમ ન થયા, તમારી પાસે લાંબુ લીસ્ટ છે ઉપરાંત ભાજપના જૂઠ અને ખોટા વાયદાઓનો સામનો કરવાનો છે. મેં વચન આપ્યું છે કે કોંગ્રેસના જે ઉમેદવારોને ધારાસભ્યોની ટિકિટ અપાશે તે પાયાના કાર્યકરો હશે તેમાંથી જ અપાશે. ધારાસભ્યની ટિકિટ એક જ વ્યકિતને મળે છે પરંતુ જેવી અમારી સરકાર આવશે તો તમામ કાર્યકરો અને નેતાઓને સ્થાન આપવામાં આવશે. કાર્યકરોને પ્રેરક બળ પુરૂ પાડતા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે તમારે પોલિંગ બુથ પર લડવાનું છે દરેક બુથ પર કોંગ્રેસના કાર્યકરો અડી જાઓ એક ઈંચ પણ પાછા ન હટો અને તેમને કોંગ્રેસનો મતલબ શું છે અને કોંગ્રેસની તાકાત શું છે તેનો પરચો બતાવો.