(એજન્સી) ભોપાલ, તા.૩૦
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં નરસિંહ ગઢ જિલ્લાના તેંદુખેડામાં ભાજપના ધારાસભ્ય સંજય શર્માએ પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સત્તારૂઢ ભાજપ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને મોટો આંચકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય કમલા પટઆર્ય અને સંજય શર્મા સહિત ગુલાબસિંહ કિરારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સદસ્યતા પ્રાપ્ત કરી હતી. અહેવાલ મુજબ કોંગ્રેસેનો ખેસ પહેર્યા બાદ સંજય શર્માએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શિવરાજસિંહના નેતૃત્વમાં શ્વાસ રૂંધાઈ ગયો હતો. ફક્ત વાતોના વડા સિવાય મુખ્યમંત્રીએ એમના વિધાનસભા ક્ષેત્ર માટે કશું જ કર્યું નથી. બેવાર તેંદુખેડા સીટ પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયેલ સંજય શર્માનું કોંગ્રેસ ગમન બીજેપી માટે છેલ્લા સમયે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. સંજય અગાઉ કોંગ્રેસમાં જ હતા બાદમાં બીજેપીમાં સામેલ થયા બાદ તેમને તેંદુખેડા માટે ટિકિટ મળી હતી. ભાજપ આ વખતે શર્માને તેંદુખેડા બેઠક માટે ટિકિટ નહીં આપે એવો તેમને અણસાર આવી ગયો હતો અને કોંગ્રેસ તેમને તેંદુખેડા બેઠક પર તેના ઉમેદવાર બનાવશે એવી સંભાવના છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી સુરેશ પચૌરીએ કોંગ્રેસમાં એમની ઘરવાપસી કરાવી છે.