અમદાવાદ,તા.૨૧
સ્માર્ટફોન હવે ’ખતરા’ફોન બની રહ્યા છે. દેશ-વિદેશમાં દરરોજ સ્માર્ટફોન્સમાં કોઇ અલગ અલગ કારણને લીધે બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ યુવકના ખિસ્સામાં રહેલા સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે.રવિવારે રાત્રે બાઇક પર જઈ રહેલા એક યુવકના ખિસ્સામાં રહેલા હોનર કંપનીના સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બ્લાસ્ટથી યુવકનું જિન્સનું પેન્ટ પણ સળગી ગયું હતું. બ્લાસ્ટ બાદ યુવકને સારવાર માટે શહેરની એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાલમાં રહેતો સોનુ ભૂપ નામનો યુવક રવિવારે રાત્રે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો. આ સમયે તેણે પોતાનો સ્માર્ટફોન જીન્સના પેન્ટના ખિસ્સામાં રાખેલા ફોનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. સોનુએ આ ફોન ચાર મહિના પહેલા ઓનલાઇન ખરીદ્યો હતો.
બ્લાસ્ટને કારણે મોબાઇલની આગળની સ્ક્રિન તૂટી ગઈ હતી, તેમજ પાછળનો ભાગ સળગી ગયો હતો. યુવકે તાત્કાલિક મોબાઇલ ખિસ્સામાંથી બહાર કાઢીને ફેંકી દીધો હતો. આ દરમિયાન તેનું જિન્સનું પેન્ટ સળગી ગયું હતું અને તેને ઈજા પહોંચી હતી.બે મહિના પહેલા અમદાવાદ જેવો જ એક બનાવ મુંબઈમાં સામે આવ્યો હતો. અહીં એક રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં રહેલા મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલી રેસ્ટોરાં ખાતે આ બનાવ બન્યો હતો. આ આખી ઘટના રેસ્ટોરાંમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.