મોડાસા, તા.રપ
જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વિકલાંગ, નિસહાય અને અનાથ બાળકોને ઉઠાવી જઈ ભીખ મંગાવાતી ટોળકીનો ભોગ બનેલ વિકલાંગ યુવકને ખેડા જિલ્લાના ઠાસરાના પાયલિયા ગામથી ઉઠાવી લાવી અલગ અલગ જગ્યાએ ભીખ મંગાવી છેલ્લા દસ દિવસથી મોડાસા નગરપાલિકા બગીચા સામે બેસાડી ભીખ મંગાવતા દયનીય હાલતમાં બેઠેલા વિકલાંગ યુવાનની મદદે જીવદયા પ્રેમી લોકોએ પોલીસનો સંપર્ક કરી તેના વતને પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી.
મોડાસામાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા અને સમાજસેવી નિલેશ જોશી, પ્રો. સંતોષ દેવકર, તુષાર પટેલ (પિન્ટુ) અને જય અમીને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાયલિયા ગામે વિકલાંગ અને અંધ રમેશભાઈ સોલંકીને દોઢ મહિના અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અપહરણ કરી ભીખ મંગાવાતી વાદી ગેંગ દ્વારા ગાડીમાં ઉપાડી લઈ અલગ અલગ વિસ્તારમાં દિવસ દરમ્યાન ભીખ મંગાવી દસ દિવસ અગાઉ મોડાસા શહેરના માલપુર રોડ પર સાંઈ મંદિર અને નગરપાલિકા બગીચામાં નજીક ફૂટપાથ પર બેસાડી ભીખ મંગાવતા હતા અને મોડી રાત્રે એકઠી થયેલ ભીખની રકમ મારઝૂડ કરી પડાવી જતા રહેતા હતા નિસહાય હાલતમાં ભીખ માંગતા વિકલાંગ યુવક અંગે નિલેશભાઈ અને તેમની ટીમને જાણ થતાં વિકલાંગ યુવકને જમવાનું અને ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળાની વ્યવસ્થા કરી તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થતા અને યુવકે તેના વતને પહોંચાડવાની આજીજી કરતા અને ગેંગના ચુંગાલમાંથી છોડાવા જણાવતા આ અંગે જિલ્લા પોલીસ અધિકારીને લેખિત જાણ કરી ડેપો મેનેજર સાથે રાખી વિકલાંગ યુવકને તેના વતન જતી બસમાં બેસાડી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરતા માનવતા મહેકી ઉઠી હતી. બસ સ્ટેન્ડમાં રહેલા મુસાફરોએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું.