અમદાવાદ,તા. ૯
કોંગ્રેસના બંને બળવાખોર ધારાસભ્યોના મતો રદ કરાવવા માટેની લડાઇમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કો-ઓર્ડિનેટર અર્જુન મોઢવાડિયા તેમ જ કોંગ્રેસના લીગલ એક્સપર્ટ બી.એમ. મંગુકીયાની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી હતી. મોઢવાડિયા અને મંગુકીયાએ બળવાખોર ધારાસભ્યોના વિવાદીત મતનો ટેકનીકલ મુદ્દો ઉઠાવી આ બે મતો રદ કરાવવા માટેની તમામ પ્રક્રિયા, તેને લગતા કાગળો, ચૂંટણી નિયમો અને કલમોની જોગવાઇ સહિતની બાબતો તૈયાર કરી હતી. આ બંને મહાનુભાવોએ રાજય ચૂંટણી પંચ સમક્ષ કરેલી ફરિયાદ અને રજૂઆતના આધારે જ કોંગ્રેસનો વિજય શકય બન્યો હતો. જો કે, આખોય મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ગયો હતો પરંતુ કોંગ્રેસના આ તમામ મહાનુભાવોની મહેનત આખરે અહમદ પટેલની જીત માટે રંગ લાવી હતી. રાજયસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ જે પ્રકારે એકસંપ અને એકજૂથ બનીને બહાર આવી છે તે જોઇને ભાજપના પણ મોતિયા મરી ગયા હતા, કારણ કે, કોંગ્રેસે તેની એકતા અને સંપનો પરિચય આપ્યો.