(એજન્સી) ટોકિયો, તા. ૨૯
ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે વચ્ચે હાઇસ્પીડ ટ્રેન અને નેવી કોઓપરેશન સહિત કુલ છ સમજૂતી થઇ છે. આ દરમિયાન બંને દેશોના સુરક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓ વચ્ચે ૨+૨ મંત્રણા અંગે પણ સમજૂતી થઇ હતી. પીએમ મોદીએ જોઇન્ટ સ્ટેટમેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે, અમે બંને ડિજિટલ પાર્ટનરશીપથી સાઇબર સ્પેસ, સ્વાસ્થ્ય સુરક્ષા, સમુદ્રથી અંતરિક્ષમાં સહયોગ વધારવા અંગે સહમત થયા છીએ. આજે મને જણાવાયું છે કે, જાપાનના રોકાણકારોએ જાહેરાત કરી છે કે, તેઓ ભારતમાં ૨.૫ બિલિયન ડોલરનું રોકાણ કરશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ટોકિયોમાં જે આત્મીયતા સાથે મારૂં સ્વાગત થયું છે તેણે મારા પ્રવાસને વધુ અવિસ્મરણીય બનાવી દીધો છે. જાપાન એવો દેશ છે જેણે શીખવાડ્યું છે કે, માનવ વિકાસ પુરાતન અને નવીનતમ વચ્ચે ઘર્ષણ નથી પરંતુ આ બંને દેશો વચ્ચે સામંજસ્ય છે. ભારત અને જાપાન વચ્ચે ઘેરી સમાનતા છે. બંને દેશોના સંબંધો લોકશાહી મૂલ્યો પર આધારિત છે. પીએમ મોદીએ જાપાનને જી-૨૦ સમિટ, રગ્બી વર્લ્ડકપ અને ૨૦૨૦ ઓલિમ્પિકની યજમાની માટે પણ અભિનંદન આપ્યા હતા. બીજી તરફ જાપાનના પીએમ શિન્જો આબેએ કહ્યું કે,જાપાન અને ભારતના સંબંધો વિશ્વના સૌથી સારા દ્વિપક્ષીય સંબંધોમાંથી એક છે. તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન આકરા નિર્ણયો લેવાના મજબૂત નેતા છે. સુરક્ષા, અંતરિક્ષ, સાઇબર સહયોગને વધુ મજબૂત કરવા માટે બંને દેશોની સહમતી સધાઇ છે. આયુષ્માન ભારત અને એશિયા વેલ્ફેર બીઇંગને જોડીને સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ સારી બનાવીશું. જાપાન ભારતના નેતૃત્વમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં પણ આગળ વધશે.