(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
બેંગાલુરૂ ખાતે કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોનું મનોબળ મજબૂત કરવા પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના અધ્યક્ષ અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. ભાજપ ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડાં સાફ કરવા માગે છે અને અમે લોકો તેમના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. ભાજપ કોંગ્રેસના રર ધારાસભ્યોને તોડવા માગતો હતો જેથી રાજ્યસભાની ચૂંટણીમાં અમારી સંખ્યા ઓછી થઈ જાય અને અમારો ઉમેદવાર હારી જાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ બેંગાલુરૂમાં અમારી સાથે ૪૪ ધારાસભ્યો છે. ઉપરાંત એનસીપી અને જેડીયુના એક મળી ત્રણ ધારાસભ્યોએ અમને સમર્થન આપ્યું છે. એટલે ૪૭ ધારાસભ્યો તરફેણમાં મતદાન કરશે ઉપરાંત જે સાત ધારાસભ્યો કે જેમણે રાજીનામા નથી આપ્યા તેઓ હજુ અમારા સંપર્કમાં જ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ પણ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જ મત આપશે. અમારા સાથી મિત્રોને મારું કહેવું છે કે તેઓ ભાજપની કોઈપણ ગંદી ચાલમાં ન આવે અને તેમના અંતરાત્માનો અવાજ સાંભળે.