(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
રાજકોટ ખાતે યોજાયેલા કોંગ્રેસના જીત નિશ્ચિત સંમેલનમાં રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે મોદી અને રૂપાણી રાજકોટમાં ૧૦ દિવસનું રોકાણ કરશે તો પણ ચારે-ચાર બેઠકો કોંગ્રેસ જીતશે-જીતશે અને જીતશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે રાજકોટના લોકો હવે ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને સમસ્યાઓના ખડકલાથી ત્રાસી ગયા છે અને લોકો હવે પોતે જ કહે છે “વિકાસ ગાંડો થયો છે”. રાજકોટને રર વર્ષથી સતત અન્યાય થઈ રહ્યો છે. કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા અને હવે વિજય રૂપાણી આ તમામ રાજકોટના જ છે. છતાં આજ દિવસ સુધી માત્રને માત્ર સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોનો વિકાસ થયો અને હવે જ્યારે વિજય રૂપાણી હાર ભાળી ગયા છે ત્યારે રાજકીય દાવપેચ ખેલી ચૂંટણી વખતે જ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, ઓવરબ્રીજ, રેસકોર્ષ-ર જેવી યોજનાઓની જાહેરાતો કરી મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.