નવી દિલ્હી, તા. ૨૨
દિલ્હી મહિલા કમિશનનાં વડાં સ્વાતિ મલિવાલે જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદીની સરકારના એક મંત્રી દિલ્હીના જીબી રોડ વિસ્તારમાં ખૂબ જ ફેલાયેલા એક વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં સંકળાયેલા છે. અત્રે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે, આટલું મોટું કરોડો રૂપિયાનું વેશ્યાવૃત્તિ રૅકેટ કેવી રીતે આટલાં વર્ષોથી ચાલતું આવ્યું છે, તે હું હજી સમજવા કોશિશ કરી રહી છું. જીબી રોડ ઉપર ગણિકા-વ્યવસાય દૈનિક ધોરણે રૂપિયા પાંચ કરોડ જેટલો થાય છે. મારી તપાસમાં મને ખૂબ જ સચોટ માહિતી મળી છે કે, આ કામમાં કેન્દ્ર સરકારના એક મંત્રી છે અને દેશના મહત્ત્વના પક્ષના દિલ્હીના એક નેતા પણ સંડોવાયેલા છે, અને તેમની મીઠી નજર તળે જ બધું ચાલી રહ્યું છે! તેમણે ઉમેર્યું કે, સંસદથી માંડ ત્રણ કિમીના અંતરે ચાલતા આટલા મોટા કૌભાંડની જડ સુધી હું પહોંચવાની હતી, પણ એટલામાં મારી સામે ફરિયાદ થઈ. હવે મને મેસેજ મળે છે કે, કેન્દ્ર સરકાર મારી ધરપકડ કરાવશે અને મને મારા હોદ્દા પરથી દૂર કરવામાં આવશે. મલિવાલે ખેદપૂર્વક કહ્યું કે, ગણિકા-વૃત્તિનો વ્યવસાય ખૂબ જ ગંદો વ્યવસાય છે અને તેમાં માંડ ૮-૧૦ વર્ષની છોકરીઓની ઉપર બળાત્કાર કરાય છે અને તેમને વેચી દેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, એક છોકરીને રોજ રાત્રે ઓછામાં ઓછા ૩૦ લોકો સાથે સૂઈ જવા મજબૂર કરાતી હોય છે. દરમિયાન, ભ્રષ્ટાચાર વિરોધી જૂથે સ્વાતિ મેલવાલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. તેમના ઉપર આરોપ છે કે તેમણે મહિલાઓની પૅનલમાં કરેલી ભરતીમાં ભ્રષ્ટાચાર કર્યો છે.