૧૨ કલાકની ચર્ચા બાદ મોદી સરકારે લોકસભામાં અવિશ્વાસનો મત જીત્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
શુક્રવારે મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની આખા દિવસ અને રાતે મોડા સુધી ચર્ચા ચાલ્યા બાદ આખરે રાતે ૧૧ વાગે મતદાનમાં એનડીએએ ૩૨૫ મતો મેળવ્યા હતા જ્યારે વિપક્ષને ૧૨૬ મતો જ મળ્યા હતા આમ કુલ ૪૫૧ મતો પડ્યા હતા. આમ અંતે એનડીએ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો હતો. આ પહેલા વડાપ્રધાન મોદીએ દોઢ કલાક સુધી લોકસભામાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. તેમણે સત્ર દરમિયાન પોતાને ભેટી ગયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આગામી વડાપ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે અને તેમને કહ્યું હતું કે, તમારી લોકસભામાંની સીટ પરથી ઉભા થઇ જાવ. આ પહેલા મોદી પર કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર નોટબંધી, જીએસટી અને લિન્ચિંગના મુદ્દે ઘેર્યા હતા.
વડાપ્રધાન મોદીએ છેલ્લે પોતાના ભાષણમાં ઘણા મુદ્દાઓનો જવાબ આપ્યો હતો જેમાં મોબ લિન્ચિંગ મુદ્દે તેમણે કહ્યું કે, આવી કોઇપણ ઘટના દેશ માટે શરમજનક છે. હું ફરીવાર રાજ્ય સરકારોને કહું છું કે, તેઓ આવી ઘટનાઓમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરે અને સજા આપે. તેમણે રાહુંલ ગાંધી દ્વારા આંખ મટકાવવા અંગે કહ્યું કે આખા દેશે જોયું કે તેમણે શું કર્યું છે. તેમણે રાફેલ સોદા અંગેના રાહુલના આરોપ અંગે જણાવ્યું કે, તેઓ એમ કહે છે કે, એક નકામા આરોપ પર બે દેશો સ્પષ્ટતા કરે. તમારી આંખમાં જોનારા અમે કોણ છીએ ? હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, તમે નામદાર છો, અમે કામદાર છીએ. તમારી આંખમાં જોવાની અમારી હિંમત નથી. સર્જિકલ સ્ટ્રાઇકને જુમલા સ્ટ્રાઇક કહીને રાહુલ ગાંધીએ કરેલા આરોપો અંગે તેમણે કહ્યું કે, તમે મારું જેટલું અપમાન કરવું હોય તેટલું કરો પણ ભારતના જવાનોનું અપમાન ના કરો. આપણા સૈન્યનું આ અપમાન હું નહીં સાંખી લઉ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ચૂંટણી પંચ, ન્યાયપાલિકા, આરબીઆઇ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાં વિશ્વાસ નથી. તેઓને કોઇનામાં પણ વિશ્વાસ નથી. આ દરમિયાન મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.ગરીબોને ટોચની સ્વાસ્થ્ય સેવા આપનારી આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. અમારી સરકારે ગરીબો માટે બેંકોમાં ખાતા ખોલાવ્યા. આ પહેલા ગરીબો માટે બેંકોના દરવાજા બંધ રહેતા હતા. ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓ હવે ધુમાડામુક્ત જીવન જીવે છે. દેશભરમાં રેકોર્ડ સંખ્યામાં ટોઇલેટ બની ગયા છે. આ દરમિયાન વિપક્ષી દળોએ મોદીના ભાષણ વચ્ચે હોબાળો કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, દેશના ૧૨૫ કરોડ લોકોએ તેમને વડાપ્રધાન બનાવ્યા છે. અમે સબકા સાથ સબકા વિકાસના મુદ્દા સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા એમ પણ કહ્યું કે, જો તમે ચર્ચા કરવા માગતા નહોતા તો અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવ્યા ? તમે આ પ્રસ્તાવ પર સમય કેમ બગાડી રહ્યા છો. આ સત્તાધારી સરકારની કસોટી નહીં પણ કોંગ્રેસ તથા તેમના સાથીઓની કસોટી છે.

રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ‘નિર્લજજ પક્ષપાતી’ ભૂમિકા બદલ સુમિત્રા મહાજનની નિંદા

(એજન્સી) તા.ર૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી શુક્રવારે સંસદમાં જ્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા હતા ત્યારે ભાજપના સાંસદોએ શોર મચાવી તેમના ભાષણમાં અડચણ ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ભાજપ સાંસદોની આ ચેષ્ટા પર લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન નિષ્ક્રિય રહ્યા હતા. રાહુલ ગાંધીએ તેમનો ભાષણ પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન મોદીને આલિંગન આપી તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો પરંતુ સુમિત્રા મહાજને રાહુલ ગાંધીના આલિંગનને નાટક ગણાવ્યું હતું. સુમિત્રા મહાજને કહ્યું હતું કે, વડાપ્રધાનને આલિંગન આપી કોંગ્રેસ પ્રમુખે ગૃહની મર્યાદાને ભંગ કરી છે. મહાજનના આવા પક્ષપાતી વલણના કારણે વિવેચકો, બુદ્ધિજીવીઓ અને પત્રકારોએ સોશિયલ મીડિયા પર તેમના વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર રિફત જાવેદે કહ્યું હતું કે આજે ઘણું નિર્લજજ પક્ષપાત કર્યું હતું. જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે વિક્ષેપ રોકવા માટે કશું કર્યું ન હતું. કોઈ તેમના કરતાં વધારે ખરાબ સ્પીકર હોય એ વિચારવું પણ શક્ય નથી. ભારતીય લોકશાહી માટે એક દુઃખદ ક્ષણ. પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ આલિંગન વિશે તેમને સંસદની રૂલ બુક તપાસવાની સલાહ આપી હતી.

મોદીને ભેટવા બદલ સ્પીકરે રાહુલને
ટકોર કરી, ગૃહની ગરિમા જાળવો

પીએમ મોદીને ભેટવા બદલ સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, રાહુલે શું કર્યું તે સમયે મને પણ ના સમજાયું. આપણે બધાએ ભાવનાઓનું સન્માન કરવું જોઇએ, વડાપ્રધાન સીટ પર બેઠા હતા તે દરમિયાન અચાનક રાહુલે આવું કર્યું. મને લાગે છે કે, સંસદના તમામ સભ્યોએ સંસદની ગરિમા જાળવી રાખવી જોઇએ. રાહુલ ગાંધી મારા પુત્ર જેવા છે મારા દુશ્મન નથી. રાહુલે શું કર્યું તે મને પણ સમજાયું નહીં પણ પોતાની સીટ પર પરત ફરીને આંખ મારી હતી.

મોદીને ગળે મળ્યા બાદ રાહુલે આંખ મારતા સુમિત્રાએ કહ્યું “વર્તન યોગ્ય નથી”

રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં સરકાર પર પ્રહાર બાદ પીએમ મોદીને ભેટી ગયા હતા અને બાદમાં પોતાના સ્થાને જઇ પક્ષના સાથી સભ્ય સામે જોઇ આંખ મટકાવી હતી. તેમના આ વર્તન બદલ સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, રાહુલે શું કર્યું તે સમયે મને પણ ના સમજાયું. આપણે બધાએ ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. રાહુલ ગાંધી મારા પુત્ર જેવા છે મારા દુશ્મન નથી અને એક માતા તરીકે તેમને યોગ્ય વર્તન શીખવાડવાની મારી ફરજ છે. ભેટવાનો હું કેમ વિરોધ કરૂં ? પણ ભેટ્યા બાદ મટકું મારવુંં યોગ્ય ન હતું. રાહુલે શું કર્યું તે મને પણ સમજાયું નહીં પણ પોતાની સીટ પર પરત ફરીને આંખ મારી હતી.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને જાદૂની ઝપ્પી
નહીં પરંતુ ઝાટકો આપ્યો છે : શિવસેના

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સંસદના ચોમાસુ સત્રમાં શુક્રવારે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ પર બધા પક્ષો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભાષણ દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ તેવર અને પોતાની સીટ પરથી ઉઠીને વડાપ્રધાનને ભેટવાની બાબત ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે તેને સંસદની ગરિમાની વિરૂદ્ધનું ગણાવ્યું છે તો કોંગ્રેસે રાહુલનો ભાજપ પર માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. ભાજપના સહયોગી પક્ષ શિવસેનાએ મોદીને ભેટવાની બાબતને વડાપ્રધાન માટે આંચકો ગણાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે રાહુલના ભાષણ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મને લાગે છે કે, રાહુલ ગાંધી રાજનીતિની અસલ પાઠશાળામાં જઇ ચૂક્યા છે. તેમણે જેવી રીતે મોદીજીને જાદૂની ઝપ્પી આપી, તે ઝપ્પી ન હતી પરંતુ મોદીજી માટે આંચકો હતો. રાહુલ ગાંધીએ ગૃહમાં જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે માત્ર કોંગ્રેસના પ્રશ્નો નથી પરંતુ સમગ્ર દેશ આજે વડાપ્રધાન પાસે જવાબ માંગી રહ્યો છે. રાહુલ ગાંધીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, રાહુલ આજે એક પરિપક્વ નેતાની જેમ દેખાઇ રહ્યા હતા.

આજે ભારત પર કસાઈઓ શાસન કરે છે જે પ્રાણીઓને બચાવે છે પરંતુ માનવીઓની હત્યા કરે છે : શિવસેના

(એજન્સી) તા.ર૦
શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ દેશ પર શાસન કરી રહેલા લોકો કસાઈઓ છે જે પ્રાણીઓને તો બચાવે છે પરંતુ માનવીઓની હત્યા કરે છે. સામનામાં શિવસેનાએ મોદી સરકારે ર૦૧૪માં મેળવેલા જનમત સામે શંકા વ્યક્ત કરી હતી. શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે, આ ચૂંટણી નાણાં વડે, સત્તાના દુરૂપયોગ વડે અને ઈવીએમમાં ચેડાં કરીને જીતવામાં આવી હતી. સામનામાં કહેવામાં આવ્યું હતું કે, આજે દેશ પર શાસન કરનારા લોકો કસાઈઓ છે જે પ્રાણીઓને તો બચાવે છે પરંતુ માનવીઓની હત્યા કરે છે. કોઈપણ રીતે ચૂંટણી જીતી સત્તામાં રહેવું એ લોકશાહી નથી લોકશાહી ક્યારેય પણ કાયમી નથી. દેશના લોકો જ સર્વોચ્ચ છે. શિવસેનાના મુખપત્ર મુજબ હવે બહુમતી મેળવવાનો એ અર્થ નથી કે તે જનમત છે હવે તે સરમુખત્યારશાહીમાં રહચ્યા-પચ્યા રહેવાનું સાધન બની ગયું છે. મતો મેળવવા માટે મોટા-મોટા વચનો આપવામાં આવે છે. તેમણે રાજકીય લાભ મેળવવા માટે લોકોની લાગણીઓ સાથે રમત રમી છે પરંતુ ચૂંટણીના જુમલાઓ ક્યારેય પણ વાસ્તવિક બની શકતા નથી.

વિપક્ષે રાહુલ ગાંધીના ‘બાજી પલટી દેનાર’ ભાષણને વધાવતા કોંગ્રેસે કહ્યું, રાહુલ ગાંધીનો આલિંગન પૂર્વ આયોજિત ન હતું

(એજન્સી) તા.ર૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન મોદી પર તીવ્ર પ્રહાર કરી ત્યારબાદ તેમને ભેટી પડતાં વિપક્ષોએ તેમના ભાષણને વધાવી લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ પણ રાહુલ ગાંધીના ‘બાજી પલટી દેનાર’ ભાષણને વધાવી લઈને કહ્યું હતું કે, તેમનો ‘આલિંગન’ સાહજિક ઉમળકો હતો. ત્યારબાદ ઘણા કોંગ્રેસી નેતાઓએ ટ્‌વીટરનો ઉપયોગ કરી ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્‌વીટ કરી હતી કે, રાહુલ ગાંધીનું અદ્દભૂત પ્રદર્શન તે બાજી પલટી દેનાર ભાષણ હતું જેણે સરકારના દાવાઓને ખોટા સાબિત કરી દીધા હતા અને જે આલિંગન કરવામાં આવ્યું હતું તેનાથી ભાજપનો શ્વાસ થંભી ગયો હતો. ભૂકંપ આ ગયા. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે તેમનું આલિંગન પૂર્વ આયોજિત ન હતું તે એક સાહજિક ઉમળકો હતો. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપ શા માટે હચમચી ગઈ હતી અને શા માટે ભગવા પાર્ટીમાં આટલો આક્રોશ છે. સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે આટલી નફરત કેમ છે ? વડાપ્રધાને વિચારવું જોઈએ કે તેમના જૂનિયર હોવા છતાં જે રીતે રાહુલ ગાંધીએ તેમના પ્રત્યે આદર દર્શાવ્યો તે બદલ તેમણે ઓછામાં ઓછું આભાર વ્યક્ત કરવો જોઈએ. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ રાહુલ ગાંધીના ભાષણની તેમજ આલિંગનની પ્રશંસા કરી હતી.

રાહુલ ગાંધી કે પ્રિયા વોરિયર ? કોનું આંખનું મટકું
મારવું સારું છે તે અંગે ટ્‌વીટરાતીઓ દ્વિધામાં

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીને ભેટવા અને આંખ મારવાને લઈ દેશભરના સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ભેટયા બાદ સાથી સાંસદોને ડાબી આંખ મારીને કંઈક ઈશારો કરતાં કેમેરામાં ઝડપાઈ ગયા હતા. તેમની આ ક્લિપ સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી વાયરલ થઈ રહી છે. ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની આંખ મારવાની સ્ટાઈલની સરખામણી પ્રિયા વોરિયર સાથે કરવામાં આવી રહી છે. પ્રિયા વોરિયર એ જ અભિનેત્રી છે જે થોડા સમય પહેલાં તેની ફિલ્મના ટ્રેલરમાં આંખો મટકાવીને સોશિયલ મીડિયા અને દેશભરમાં છવાઈ ગઈ હતી. ત્યારબાદ હવે ટ્‌વીટર પર રાહુલ ગાંધી અને પ્રિયા વોરિયર વચ્ચે કોનો નૈનમટકા સારા છે એના પર ચર્ચા થઈ રહી છે. ટ્‌વીટર પર બન્ને જણાના વીડિયો શેયર કરીને બન્નેમાંથી સારી રીતે આંખ કોણ મારી રહ્યું છે એ પૂછવામાં આવી રહ્યું છે. ટ્‌વીટર પર રાહુલ ગાંધી ફજી પ્રિયાને લઈ એક જ સવાલ છવાયેલો છે કે કોણ સારી આંખ મારી શકે છે. રાહુલ ગાંધી અથવા તો મલયાલમ અભિનેત્રી પ્રિયા વોરિયર ? આ સાથે રાહુલના આંખ માર્યા બાદ ટ્‌વીટર પર તેમની સરખામણી પ્રિયા સાથે થઈ રહી છે.

મોદીને ભેટ્યા બાદ આંખ મારી, ટિ્‌વટર રાહુલ પર વારી ગયું

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા બાદ ઓચિંતા વડાપ્રધાન પાસે જઇને તેમને ભેટી પડ્યા હતા. રાહુલના આ પગલાથી લોકસભામાં ઉપસ્થિત બધા સભ્યો સાથે વડાપ્રધાન પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ પાછા જઇને પોતાની સીટ પર બેસી ગયા બાદ પાસે બેઠેલા સાથી સાંસદોને ડાબી આંખ મારીને કંઇક ઇશારો કર્યો હતો. રાહુલના આંખ મારવા પર સોશિયલ મીડિયા ઓળઘોળ થઇ ગયું છે. ટિ્‌વટર પર તો જેમ કે રાહુલ ગાંધીના નામનું પૂર આવી ગયું. લગભગ બધી જ ચેનલો પર રાહુલ ગાંધીના મોદીને ભેટવા અને ત્યાર પછી આંખ મારવાની ક્લિપિંગ્સ વાયરલ થઇ ગઇ છે.
– અંકુર સિંહે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે રાહુલ ગાંધીની આ હરકતથી યુવા અભિનેત્રી પ્રિયા પ્રકાશની યાદ આવી ગઇ. પ્રિયા પ્રકાશે આંખમારી સોશિયલ મીડિયાને ઘેલું લગાડ્યું હતું.
– ગૌતમ જોશીએ લખ્યું કે ઓહ છોકરો, રાહુલ ગાંધી આંખ મારી શકે છે અને તે પણ પ્રિયા પ્રકાશ કરતા બહેતર, મુન્નાભાઇ કરતા બહેતર રીતે જાદૂની ઝપ્પી આપી શકે છે.
– ડો. કુમાર વિશ્વાસે લખ્યું કે અરે છોડી પણ દો ! થોડું ક મન મોટું રાખો ! આંખ જ તો મારી છે નહિંતર આ ગૃહોમાં શું-શું મારવામાં આવ્યું છે, દેશને ખબર છે.
– આકાશ સિંહાએ ટિ્‌વટર પર લખ્યું કે પ્રિયા પ્રકાશથી વધુ સારી આંખ તો રાહુલ ગાંધીએ મારી છે

ગેરવર્તણૂક કે જિનિયસનો સ્ટ્રોક ? સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના મોદીને ભેટવા પર પ્રતિક્રિયા

(એજન્સી) તા.૨૧
શુક્રવારે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છવાઈ ગયા હતા. તેઓએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ધારદાર પ્રહારો કર્યા હતા. તમામ લોકોની નજરો તેમના પર જ ટકી ગઈ હતી. રાહુલે જાણે આખી મહેફીલ લૂટી લીધી હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે ભેટ્યા હતા. જો કે, આ દૃશ્ય પહેલાં રાહુલ ગાંધીએ જુમલાબાજી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ આકરા પ્રહારો પણ કર્યા હતા. રાફેલ ડીલમાં પારદર્શિતાના અભાવ પર અને દેશમાં મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર મોદી સરકારને આડે હાથ લીધી હતી. નિર્મલા સીતારમન પર દેશને ખોટું બોલવાનું આરોપ મૂક્યો હતો. રાફેલ ડીલ અંગે તેમણે જૂઠ બોલ્યું હતું એ પણ વડાપ્રધાન મોદીના દબાણમાં એમ રાહુલે કહ્યું હતું. ગાંધીએ તેમની સ્પીચના અંતે કહ્યું હતું કે, હાં મને મારા ટીકાકારો અને વિરોધીઓ પપ્પુ કહે છે પણ હું તેમનાથી નફરત કરતો નથી. જો કે, આ દરમિયાન રાહુલ તેના બાદ વડાપ્રધાન મોદીની બેન્ચ પાસે જઈને તેમને ગળે ભેટ્યા હતા. આખી સંસદ ગજવી હતી. આ દરમિયાન મોદીજી થોડાક મૂંઝવાયેલા જોવા મળ્યા પછી તેઓ મલકાતા જોવા મળ્યા હતા. જો કે, મોદી આ ઘટના અંગે પહેલાંથી જ તૈયાર ન હતા. ત્યારબાદ તેમણે રાહુલ સાથે હાથ મિલાવી તેમને કાનમાં વાત કહી હતી. જો કે, રાહુલનું મોદીને ગળે ભેટવું આખા દિવસ માટે ટોકિંગ પોઇન્ટ બની ગયું હતું. જો કે, રાહુલની આ વર્તણૂંકની અનેક લોકોની ટીકા કરી હતી અને તેને બિન સંસદીય તથા ગેરવર્તણૂંક ગણાવી હતી જ્યારે રાહુલ મોદીને મળ્યા હતા ત્યારે જ આ દરમિયાન ભાજપના સહયોગી અને અકાલી દળના નેતા હરસિમરત કૌરે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, આ યોગ્ય નથી. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ આ મામલે કહ્યું હતું કે, આ ડ્રામા બંધ કરો. જો કે, લોકસભા સ્પીકરે રાહુલ દ્વારા પીએમ મોદીને ભેટવા અંગે કહ્યું કે, આ ગૃહની ગરિમા વિરૂદ્ધ છે અને મને આ સારૂ ન લાગ્યું. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન તરીકે તેઓ અહીં બેઠા હતા અને પદની ગરિમા હોય છે. સાથે જ સાંસદે પણ આ ગરિમાનું પાલન કરવું જોઈએ. સુમિત્રા મહાજને કહ્યું કે, એક પદની પોતાની ગરિમા હોય છે. આવું ન થવું જોઈએ. તમામ લોકો ધ્યાનમાં રાખે. હાઉસની એક ડેકોરમ છે. તેઓ પ્રાઈમ મિનિસ્ટર છે. તેઓ પ્રાઈમ મિનિસ્ટરની સીટ પર બેઠા છે. પ્રાઈમ મિનિસ્ટરની સીટ પર બેઠા હોય ત્યારે એક ડેકોરમ હોય છે અને આપણું પણ ડેકોરમ હોય છે. સંસદ સભ્યના વ્યવહારનું પણ એક ડેકોરમ હોય છે. આ વાત તમામે ધ્યાન રાખવી જોઈએ. જે પણ છે તમામે તેનું પાલન કરવાનું હોય છે મારે એકલા એ જ નહીં. જો કે, આ મામલે એક યુઝર શહેજાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદના ડેકોરમ અને નિયમને નુકસાન પહોંચાડ્યું જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા ચાલી રહી હતી. શું તે વિપક્ષના નેતા છે કે, પછી મુન્નાભાઈ એમબીબીએસના પાત્ર છે. શમજનક ! જો કે, ભાજપ સાંસદ કિરણ ખૈરે કહ્યું કે, રાહુલ ગાંધીની જગ્યા બોલિવૂડમાં છે રાજનીતિમાં નહીં. તેઓ સારૂં નાટક કરે છે. જો કે, સ્મૃતિ ઈરાનીએ પણ કહ્યું કે, આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.

અવિશ્વાસ પ્રસ્તાવ ભાષણ સાથે શું રાહુલ ગાંધીએ ખરેખર ‘ભૂકંપ’ લાવી દીધો ?

શુક્રવારે લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાહુલ ગાંધીએ સવારે સંસદમાં ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘ભૂકંપ આવનાર છે’. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી પર વિદેશ પ્રવાસ, નોટબંધી, જીએસટી, રાફેલ સોદો અને સૂટ-બૂટ કી સરકારની ટીપ્પણી સાથે અસંખ્ય વાર કર્યા હતા. તેમના ભાષણ બાદ ટિ્‌વટરાતીઓએ ચુકાદો આપતા પુછ્યું હતું કે, શું રાહુલ ગાંધી ખરેખર ભૂકંપ લઇ આવ્યા. રાહુલ ગાંધીએ મોદી સરકારના જુઠ્ઠા વાયદા અને જુમલાથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, તમે ૨૧મી સદીના રાજકીય હથિયારના પીડિત છો તમે એકલા નથી, આ રાજકીય હથિયારને જુમલા હથિયાર કહેવાય છે. ઘણા જુમલાની કટાક્ષ કર્યા બાદ રાહુલ જીએસટી તરફ વળ્યા હતા અને પીએમ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ સૂટ-બૂટમાં ફક્ત ઉદ્યોગપતિઓને મળે છે અને નાના વેપારીઓ પર ધ્યાન આપતા નથી. દરમિયાન પીએમ મોદી સંસદના એક છેડે બેઠા હતા. રાહુલે નોટબંધી, બેરોજગારી, ખેડૂતો પ્રત્યે ઉદાસિનતા અને પીએમ મોદી નાના વેપારીઓને લૂંટી રહ્યા હોવાના ટોણામાં કેટલાકમાં આંકડાકીય માહિતી આપી જ્યારે કેટલાકમાં નહીં. પીએમ મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવા કહ્યું હતું પણ ફક્ત ચાર લાખને નોકરી મળી. જ્યારે ચીનમાં દર ૨૪ કલાકે ૫૦,૦૦૦ યુવાઓને નોકરી મળે છે. ભારતમાં ૪૦૦ યુવકોને પીએમ મોદી પકોડા બનાવવાની દુકાન ખોલવાનું કહે છે. તેઓ અમિત શાહના પુત્ર જય શાહ વિશે મૌન ધારણ કરીને બેઠા છે.યુપીએ સરકારમાં કરાયેલા રાફેલ સોદામાં પ્રત્યેક વિમાન ૫૨૦ કરોડમાં પડી રહ્યું હતું જ્યારે મોદી સરકારમાં જાદુઇ રીતે તેની કિંમત ૧૬૦૦ કરોડ થઇ ગઇ. આ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, ફ્રાન્સ સાથે સમજૂતી હોવાથી આ સોદાની વિગતો આપી ન શકાય. જોકે, મેં ઇમેન્યુઅલ મેકરોન સાથે વ્યક્તિગત વાત કરતા તેમણે કહ્યું કે આવી કોઇ સમજૂતી નથી થઇ. વિરોધ વધતા નિર્મલા સીતારમણ પીએમ મોદીના દબાણમાં જુઠ્ઠું બોલ્યા હતા. આ નિવેદનથી સીતારમણ ગિન્નાયા હતા. રાહુલે કહ્યું ડોકલામ મુદ્દે ચીન સાથે સોદા અંગે મોદીએ પોતાની સેનાને જ છેતરી છે. તેમના મંત્રીઓ લિન્ચિંગના દોષિતોનું સન્માન કરે છે જ્યારે દલિતો, મહિલાઓ અને લઘુમતીઓને નિશાન બનાવાય ત્યારે મૌન બને છે.

રાહુલ ગાંધી લોકસભામાં છવાયા

(એજન્સી) તા.૨૦
આજે લોકસભામાં મોદીના નેતૃત્ત્વ હેઠળની કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી લડાયક, આક્રમક, તથ્યાત્મક અને જનૂની મૂડમાં જોવા મળ્યા હતા અને છવાઈ ગયા હતા. તેમણે આ દરમિયાન વિપક્ષની કમાન પણ સંભાળી હતી અને ભાજપના નેતૃત્ત્વ હેઠળની કેન્દ્ર સરાકર સામે આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વફાદાર દેશના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમન ઉપર રાફેલ ડીલ અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન રાહુલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ધ્યાન કેન્દ્રીત કરતાં તેમને પોતાના વાયદા યાદ કરાવ્યા હતા અને તેને ૨૧મી સદીનો રાજકીય હથિયાર ગણાવતાં કહ્યું હતું કે, આ એક જુમલા સ્ટ્રાઇક (ભાષણબાજી) ગણાવી હતી. ભાજપે આ દરમિયાન નહેરૂ-ગાંધી પરિવારને નિશાને લેવાની યોજના બનાવી હતી. જેનો સંકેત ટ્રેઝરી બેન્ચ તરફથી અપાયેલ પ્રથમ સ્પીચમાં જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ આ દરમિયાન ફક્ત પીએમ મોદીને જ નિશાને લીધા હતા. એક મુદ્દે તેમણે કહ્યું કે, મોદીએ સાબિત કર્યું કે, તે ચોકીદાર નથી અને ત્યારે વડાપ્રધાન મોદી હાસ્ય કરવા લાગ્યા અને ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હસી રહ્યા છે પણ તેઓ નર્વસ દેખાય છે. તેઓ મારી આંખમાં જોઇ શકતા નથી. વડાપ્રધાન હવે વિશ્વાસપાત્ર રહ્યા નથી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત જુમલા સ્ટ્રાઈક શબ્દથી કરી હતી. તેમણે કહ્યું કે આ જુમલા સ્ટ્રાઈકના સૌથી મોટા પીડિતો ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાઓ છે. તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ યુવાઓને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. જો કે, આંકડા તો જણાવે છે કે, ફક્ત ૧૫ લાખ યુવાઓને જ નોકરી મળી છે. જો કે, બેરોજગારી છેલ્લા સાત વર્ષોમાં ટોચના સ્તરે પહોંચી ગઈ છે. તેમણે સુરત અંગે કહ્યું કે, નોટબંધીને કારણે અહીં નાના અને મધ્યમવર્ગના બિઝનેસો પર માઠી અસર થઇ અને તે ભાંગી પડ્યા અને તેમણે કહ્યું કે, આ છે વડાપ્રધાન મોદીના કહેલા કથનોનું સત્ય. જો કે, ભાજપના સાંસદો તેમના પગ નીચે રહે છે. જો કે, રાહુલે તેમના ભાષણનો નાટકીય અંત કર્યો હતો અને તેઓ વડાપ્રધાન મોદીને ગળે ભેટ્યા હતા. તેઓ વડાપ્રધાન મોદી પાસે ચાલીને તેમની બેન્ચ સુધી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આને કહેવાય સાચો હિન્દુ. શાંતિ રહો અને પ્રેમ કરો. ભાગલા ન પાડો અને નફરત ના કરશો.
જો કે, અહીં રાહુલ ગાંધીના ભાષણના કેટલાક મુખ્ય અંશો નીચે મુજબ છે જેમાં ક્યારેક ગૃહની કાર્યવાહી અટકી, ક્યારેક ખોરવાઈ તો મજબૂત વિરોધ પણ કર્યો અને સીતારમનને પણ આડેહાથ લીધા.
જીએસટી પર કહ્યું : મોદી અહીં જ નથી રોકાયા. જીએસટી કોંગ્રેસ લાવી હતી. ભાજપે તેનો વિરોધ કર્યો હતો ત્યારે તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી (મોદી) એ જ તેનો વિરોધ કર્યો હતો. અમે એક જીએસટી લાવ્યા હતા. જેમાં પેટ્રોલ-ડીઝલને પણ સમાવી લેવાયા હતા. જો કે, વડાપ્રધાન મોદી પાંચ શ્રેણીનું જીએસટી લાવ્યા અને તેના કારણે નાના તથા મધ્યમ કદના બિઝનેસ ભાંગી પડ્યા. આજે ઈન્કમ ટેક્સનો માણસ દરેક નાના આંત્રપ્રિન્યોર હાઉસમાં બેસે છે અને સરકાર તેમના ખિસ્સામાં હાથ નાખીને પૈસા લઈ જાય છે. વડાપ્રધાનના મોટી ઉદ્યોગો સાથેના સંબંધ પર : જીઓની જાહેરાત પર હવે વડાપ્રધાન મોદીની તસવીર આવે છે. તેઓ કેટલાક ગણતરીના ધનિકો માટે કામ કરવા લાગ્યા છે. તેમના મનમાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે કોઇ સ્થાન નથી. મોદીની માર્કેટિંગનો પૈસો કેટલાક ધનિકો આપે છે. રાફેલ કોન્ટ્રાક્ટર એચએએલથી લઈને તેમનામાંથી જ એકને આપ્યો. આ વ્યક્તિએ જીવનમાં ક્યારેય એક જહાજ નથી બનાવ્યું. તેણે ૪૫ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી. નિર્ણય કોનો હતો ? વડાપ્રધાન જણાવે. તેઓ ચોકીદાર નહીં ભાગીદાર બની ગયા છે. રાહુલે કહ્યું કે, જય શાહ મુદ્દે પણ મોદી ચૂપ રહ્યા. જે અમિત શાહનો દીકરો છે. મોદીએ ૧૬ વખત પૂછવા છતાં કોઈ ટિપ્પણી કરી ન હતી.
રાફેલ ડીલ પર : રાહુલ ગાંધી દ્વારા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ડીલને લઇને મોદી સરકાર પર ખોટું બોલવાના આરોપ લગાવાયા હતા. રાહુલે કહ્યું કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) સરકારમાં પ્રતિ વિમાનની કિંમત ૫૨૦ કરોડ રૂપિયા હતી, પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ ગયા અને કોઇ જાદુઇ શક્તિની સાથે પ્રતિ વિમાન તેની કિંમત ૧૬૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ. રાહુલે કહ્યું, રક્ષામંત્રી નિર્મલા સીતારમન અહીં છે. તેઓએ કહ્યું હતું કે, આ મૂલ્ય વિશે તેઓ જણાવશે પરંતુ ત્યારબાદ તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, તેઓ આવું નથી કરી શકતા કારણ કે, ફ્રાન્સ અને ભારત સરકારની વચ્ચે ગુપ્ત સમજૂતી થઇ છે. વડાપ્રધાન દેશને ખોટું બોલ્યા, વડાપ્રધાનના દબાણમાં સીતારમને દેશને ખોટું કીધું. તેઓએ ચોક્કસથી દેશને જણાવવું જોઇએ.’ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા રાફેલ સમજૂતી અંગે બોલતા સમયે સત્તા પક્ષના સાંસદોએ હોબાળા સાથે આ નિવેદનનો વિરોધ કર્યો.
વિદેશનીતિ પર : ભારતીય સૈનિકો ડોકલામમાં ઘૂસેલા ચીનના સૈનિકોની સામે ઊભા થઈ ગયા હતા. તેના અમુક દિવસ બાદ વડાપ્રધાન ચીનના રાષ્ટ્રપતિ સાથે એજન્ડા વિના જ મુલાકાત કરવા પહોંચી ગયા. તે ચીનનો એજન્ડા હતો. આમ, કરીને વડાપ્રધાને ભારતીય સૈનિકો સાથે દગો કર્યો હતો.
ઘૃણાસ્પદ હિંસા અંગે : ભારતીય નાગરિકો પર થઇ રહેલા હુમલા અંગે વડાપ્રધાન મોદી એક પણ શબ્દ કેમ નથી બોલતા. જો કે, તેના બદલે તેમના મંત્રીઓ દોષીઓને સન્માનિત કરી રહ્યા છે. આજે ભારતના દરેક ખૂણામાં નાગરિકો પર હુમલા કરાઈ રહ્યા છે, મારપીટ કરાઈ રહી છે, ધમકી અપાઇ રહી છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક શબ્દ ઉચ્ચારતાં નથી. આજે જે પણ હુમલા થઈ રહ્યાં છે, મારપીટની ઘટનાઓ, હત્યાની ઘટનાઓ બની રહી છે આ કોઈ સ્વતંત્ર વ્યક્તિ પર નહીં પણ આંબેડકર સાહેબના બંધારણ પણ હુમલા સમાન છે. અમે આ અસહિષ્ણુતાને નહીં ચલાવી લઈએ.

અમારી સરકારમાં મોંઘવારી ઘટી અને જીડીપી વધ્યો છે : રાજનાથસિંહ

નવી દિલ્હી,તા.૨૦
લોકસભામાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચર્ચા ચાલી હતી. આ દરમિયાન રાજનાથ સિંઘે કહ્યું હતું કે જનતાએ સરકાર ચૂંટી છે. તેમણે કહ્યું હતું કે કેરળ જેવા રાજ્યમાં આજે ભાજપ મજબૂત બન્યું છે. ત્રિપુરામાં સામ્યવાદી સરકાર દરમિયાન પણ ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. કોંગ્રેસની સરકાર દરમિયાન બહુમતીનું સન્માન કરતા અમે ક્યારેય અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વાત કરી ન હતી કેમ કે બહુમતીમાં અમને વિશ્વાસ છે.
તેમણે કહ્યું હતું કે આ સમજી લેવું જોઈએ કે દેશની આઝાદી બાદ પ્રથમ બિનકોંગ્રેસી સરકારને બહુમતી મળી છે. આવી સરકાર પ્રત્યે આપણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહ્યા છીએ. મોદી સરકારને ગળે મળવાના રાહુલ ગાંધીના આઈડિયા પર રાજનાથસિંહે ટોણો મારતાં કહ્યું રાહુલ ગાંધીએ સદનમાં ચિપકો આંદોલન શરુ કર્યું.
વડાપ્રધાન મોદી અને તેમની સરકારની પ્રશંસા કરતા રાજનાથે કહ્યું હતું કે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સન્માન વધાર્યું છે. નોટબંધીને ઘણી વખત મુદ્દો બનાવવામાં આવે છે પરંતુ તે સમજવું જરૂરી છે કે નોટબંધી બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. અમારી સરકારમાં મોંઘવારી ઘટી છે અને જીડીપી વધ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts