મોદી વડાપ્રધાન બન્યા છતાં ગુજરાત વિધાનસભાની બેઠકો ન વધારી શક્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોેલંકીએ પરિણામોને ગુજરાતની જનતાનો ચૂકાદો માની પ્રજાને હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે મોદીની ભાજપ સરકારે ૧પ૧ બેઠકો જીતવાનો કરેલો દાવો નિષ્ફળ ગયો છે અને અત્યાર સુધીની ભાજપ સરકારમાં સૌથી ઓછી બહુમતી મેળવી છે અને કોંગ્રેસને ૮૦ બેઠકો પર વિજય અપાવ્યો તે બદલ પ્રજાનો આભાર માન્યો હતો.
ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદીની ભાજપ સરકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જ જનતાના અઢળક નાણાં ખર્ચ્યા, સરકારી તંત્રનો દુરૂપયોગ કર્યો અને મોદી વડાપ્રધાન બન્યા તેમ છતાં પણ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ વધારો કરી શક્યા નહીં પરંતુ ભાજપના પોતાના પાંચ મંત્રી અને એક સ્પીકરની હાર થઈ છે.
ગુજરાતની જનતા પણ માને છે કે, ભાજપ સરકારે કેટકેટલી જગ્યાઓએ સત્તાનો દુરૂપયોગ કર્યો છે. જનતા પણ પૂછી રહી છે કે ભાજપ સરકારે ઈવીએમમાં ગોટાળા કરીને તો વિજય નથી મેળવ્યો ને ? ઈવીએમમાં ગોટાળાની ઘણી ફરિયાદો આવી છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને તેની રજૂઆત પણ કરી છે અને કોંગ્રેસ પક્ષને ચૂંટણી પંચ પર વિશ્વાસ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધી ગુજરાતની જનતા વચ્ચે રહ્યાં, તેમના દિલ જીત્યા અને ગુજરાતની જનતાએ રાહુલ ગાંધીને જે પ્રેમ અને માન આપ્યું તે બદલ ધન્યવાદ આપ્યા હતા. ભરતસિંહ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા તમામ મીડિયા ટીમનો પણ ધન્યવાદ માન્યો હતો. જેમણે તાપ-તડકો જોયા વગર સાથ આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks