(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
મોદી સરકાર ટૂંક સમયમાં મંત્રી મંડળનો વિસ્તાર કરી શકે છે. ચાર દિવસની અંદર મુઝફફરનગર રેલ દુર્ઘટના અને ઓરૈયા રેલ દુર્ઘટના બાદ પીએમ મોદી ખૂબ જ ગંભીર બની ગયા છે. જ્યાં એક બાજુ રેલવે બોર્ડના ચેરમેન અશોક મિત્તલે બુધવારે રાજીનામું આપી દીધું ત્યાં સાંજે રેલ મંત્રી સુરેશ પ્રભુએ પીએમ મોદીની મુલાકાત લીધી અને દુર્ઘટનાઓની જવાબદારી લીધી. જો કે મોદીએ તેમને થોડી રાહ જોવા કહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિન ગડકરીને રેલ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકારમાં તેવા અનેક મંત્રી છે જેની પાસે એકથી વધુ મંત્રાલય છે. તેવામાં આ ફેરબદલીને ર૦૧૯ અને આવનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવે તેવી સંભાવના છે.
મોદી સુરેશનું રાજીનામુ સ્વીકારીને તેમને બીજી જવાબદારી સોંપી શકે છે. ત્યાં બીજી બાજુ જો મોદી સુરેશનું રાજીનામું મંજૂર કરી લે તો વિરોધીઓના મોઢા પણ બંધ થઈ શકે છે. નીતિન ગડકરી ઉપરાંત મનોજ સિંહાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. હાલ સિંહા રેલ રાજ્યમંત્રી પદ પર છે.