(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભાજપની આલોચનાને રદ કરતા કેજરીવાલે જણાવ્યું કે, ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે એ બાબત હું કંઈ રાજકારણ નથી રમતો જે પ્રકારના આક્ષેપો ભાજપ મારી સામે મૂકી રહ્યો છે. મેં તો ફકત વડાપ્રધાન મોદીને એટલું જ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ફેલાવાતા ખોટા પ્રચારને રદ કરતી સાબિતીઓ રજૂ કરો. અમને પાકો વિશ્વાસ છે કે, સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક ઓપરેશન કર્યું છે. મેં ગઈકાલે પોતાના વીડિયો સંદેશમાં પણ આ વાત કહી હતી અને મોદીને સલામી આપી એમની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ આશ્ચર્ય પમાડે એ રીતે કેજરીવાલે મોદીને સલામ કરી પ્રશંસા કરી હતી. એ સાથે જ કેજરીવાલે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, પાકિસ્તાન પ્રચાર કરી રહ્યું છે કે સર્જીકલ ઓપરેશન નથી થયું અને જવાબ આપવા સરકારે સાબિતીઓ આપવી જોઈએ પણ ભાજપે કેજરીવાલને પ્રશ્ન કર્યો કે તમે સેના ઉપર શંકા કરો છો, એ રીતે તમો એ સેનાનું અપમાન કરો છો. આ બાબત હું સેના અને સોદાની પ્રશંસા કરું છું. મેં ફકત મોદીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા જણાવ્યું હતું. આ માટે ભાજપને કેમ ગુસ્સો આવે છે ? અમે બધાએ પાકિસ્તાન દ્વારા ફેલાવાતા પ્રચારનો વિરોધ કરવો જોઈએ. આ મુદ્દે અમે બધા ભારતીયો સાથે છીએ ભલે પછી ગમે તે પક્ષના હોઈએ. અમારે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા છે. કેજરીવાલે પુરાવાઓની માંગણી કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર અને ભાજપના બીજા નેતાઓએ કેજરીવાલ સામે પ્રશ્ન કર્યો કે તમે પાકિસ્તાનના પ્રચારથી કેમ ભરમાઈ જાઓ છો શું તમને ભારતની સેના ઉપર વિશ્વાસ નથી. એમની સામે શંકા કેમ રાખો છો ? કેજરીવાલે કહ્યું કે હું રવિશંકરના જવાબથી ખુશ નથી. રાજકારણ એ રમી રહ્યા છે કે હું ? વરિષ્ઠ આપ નેતા આશુતોષે જણાવ્યું કે પાકિસ્તાન ભારત માતા અને ભારતીય સૈન્યનું અપમાન કરી ખોટો પ્રચાર કરી રહ્યું છે. પણ ભાજપ કેજરીવાલને ઝાટકે છે. એમણે પાકિસ્તાનના અપપ્રચારની ઝાટકણી કાઢવી જોઈએ. કેજરીવાલે મોદી સરકાર પાસેથી પુરાવા માંગ્યા હતા. ગયા અઠવાડિયે સેનાએ ઉરીનો બદલો લઈ હુમલો કર્યો હતો અમે એને વધાવીએ છીએ. અમારે મોદી સાથે સેંકડો મુદ્દે મતભેદો હોઈ શકે પણ આ મુદ્દે અમે એમને સલામ કરીએ છીએ. આ પહેલી વખત બન્યું કે મોદીની કાયમ આલોચના કરનાર કેજરીવાલે મોદીની પ્રશંસા કરી હોય. હુમલાના દિવસે કેજરીવાલે સેનાની પ્રશંસા કરી હતી પણ મોદી માટે કંઈ બોલ્યા ન હતા. પછીથી મોદીની પ્રશંસા કરી હતી. ગઈકાલે એમણે દિલ્હી વિધાનસભામાં જણાવ્યું હતું કે, અમારે કેન્દ્ર સાથે સેંકડો મુદ્દે મતભેદો હશે, એ પછી જોઈશું પણ હાલ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતની સાખને ખોટું પાડી રહ્યું છે એની સામે આપણે લડવું જ પડશે. પાકિસ્તાન આ મુદ્દે મેલી રાજરમત રમી રહ્યું છે. પાકિસ્તાન પત્રકારોને લઈને એલઓસી પર ગયું હતું અને એમને ડરાવવાના પ્રયાસ કર્યા હતા કે સર્જીકલ ઓપરેશન નથી થયું. બે દિવસ પહેલાં યુએને નિવેદન આપ્યું હતું કે આવી કોઈ પ્રવૃત્તિ સીમા ઉપર થઈ નથી. આ સાંભળી મારું લોહી ઉકળી ગયું હતું. પાકિસ્તાન ભારતની છબિ બગાડી રહ્યું છે. યુએનના સેના નિરીક્ષકોએ સીધી રીતે નિરીક્ષણ કર્યું ન હતું. યુએનના અધ્યક્ષ બાન કી મૂનના પ્રવકતાએ ભારત દ્વારા કરાયેલ સર્જીકલ ઓપરેશનનો ઈન્કાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને વિનંતી કરું છું જે રીતે એમણે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો છે એ જ રીતે પાકિસ્તાનના ખોટા પ્રચારને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડવા પ્રયાસો કરે. સમગ્ર દેશ એમની સાથે છે. હું દેશના લોકોને પણ વિનંતી કરું છું કે પાકિસ્તાનના ખોટા પ્રચારને નહીં માને.