(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા ચાર વર્ષના કામકાજ પર ધ્યાન આપવું જરૂરી છે કેમ કે, આ સરકાર પાછલા મુદ્દાઓમાંથી બહાર આવી ચૂકી છે તેથી સરકારે પોતાની વિશેષતાઓને આધારે નિર્ણય લેવો જોઇએ. તેમણે કહ્યું કે, મોદી સરકારે પોતાની સિદ્ધિઓ જ નહીં પરંતુ નિષ્ફળતાઓની પણ જવાબદારી લેવી જોઇએ. રાજીવકુમારે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોંગ્રેસના વારસામાં મળેલી કહીને બહાનું ન બનાવી શકે. સરકારે નિષ્ફળતાઓની જવાબદારી લેતા શીખવું જોઇએ. એવું હંમેશા જોવામાં આવ્યું છે કે, સત્તાધારી ભાજપ અને તેના ઘણા વરિષ્ઠ નેતા કોંગ્રેસ પર શાસનની નિષ્ફળતા, નીતિઓની કમી અને અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે. તેઓ કામમાં સુસ્તીનો સવાલ ઉઠાવતાની સાથે જ કોંગ્રેસ પાસેથી વીરાસતમાં મળેલી સરકાર કહીને બચવાના પ્રયાસ કરે છે. સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર યુપીએ શાસન પાસેથી ૨૦૧૪માં હાલની સરકારને મળેલા વારસા અંગે રાજીવકુમારે કહ્યું કે, મોદી સરકારના પાછલા ચાર વર્ષના કામકાજ પર ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે, આ સરકાર પાછલા મુદ્દાઓમાંથી બહાર આવી ચૂકી છે. તેથી સરકારે પોતાની વિશેષતાઓને આધારે નિર્ણય લેવો જોઇએ. અર્થવ્યવસ્થા વારસામાં મળેલી આવી સમસ્યાઓથી બહાર આવી ચૂકી છે તેથી આ પ્રકારના બહાના બનાવવા માટે તેમને પ્રયોગ હવે કરવો જોઇએ નહીં. કુમારનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું મનાય છે કારણ કે, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણામંત્રી અરૂણ જેટલી સહિત ભાજપના નેતાઓ સતત કોંગ્રેસ પર અર્થવ્યવસ્થાને બરબાદ કરીને છોડી જવાનો આરોપ લગાવતા રહ્યા છે અને સરકાર તેને પાટા પર લાવવાના પ્રયાસ કરી રહી છે.