મોદીને ‘‘મન કી બાત’’ કરવી ગમે છે પણ સાંભળવી ગમતી નથી : રાહુલ ગાંધી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતાં હોય તેમ આજરોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, પાટીદારો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, જીએસટી-નોટબંધી જેવા મુદ્દાઓ પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો આ તમામ વર્ગ માટે શું કરશે તે માટેની જાહેરાત એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
ટાટાના નેનો પ્રોજેક્ટ પર નિશાન તાકતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે નેનોના પ્રોજેક્ટ માટે ૩૬ હજાર કરોડની બેંક લોન આપી, સસ્તા દરે જમીન આપી છતાં નેનો દેખાતી નથી આ રકમ ખેડૂતોના વ્યાજ કરતાં પણ વધુ છે. નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. હકીકત એ છે કે, હિન્દુસ્તાનનું મીડિયા, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ કે દુકાનદારો નહીં પરંતુ મોદીના છ-સાત મિત્રો ચલાવે છે અને મોદી તેમને રોજ હજારો કરોડ આપે છે. અંગ્રેજોના સમયમાં પણ મીડિયા હતું પરંતુ આવી નીતિ ન હતી. જો કે, દરેક મીડિયા ખરીદાયેલું છે એવું પણ નથી એવા લોકો પણ છે જે મોદીનો વિરોધ કરે છે પરંતુ તેમને ડરાવવા અને ધમકાવવામાં આવે છે.
નોટબંધી અને જીએસટી પ્રશ્ને મોદી સરકાર પર પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૮ નવેમ્બરે વડાપ્રધાનને ખબર નહીં શું થયું કે રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટ બરાબર ન લાગી અને નાણામંત્રી કે રિઝર્વ બેંક કોઈને પૂછયા વિના બંધ કરી દીધી. રઘુરામ રાજને પણ તેમના પુસ્તકમાં સ્વીકાર કર્યો છે કે નોટબંધીથી કોઈ ફાયદો નથી થયો. એમ જણાવી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીને ‘‘મન કી બાત’’ કરવી સારી લાગે છે પરંતુ કોઈના ‘‘મનની વાત’’ સાંભળવી ગમતી નથી. નોટબંધી સમયના ૯૯ ટકા નાણા પરત આવી ગયા છે. આતંકવાદને ફટકો પડશે એમ કહેવાતું હતું પરંતુ કાશ્મીરમાં આતંકવાદ વધી રહ્યો છે.
જીએસટી અંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના જીએસટી અને ભાજપના જીએસટીમાં મોટો તફાવત છે. જીએસટીને વિવિધ સ્ટેપમાં અને લોકોનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ અમલમાં લાવવાની જરૂર હતી. અમે ૧૮ ટકા જીએસટીની તરફેણમાં હતા જ્યારે મોદી સરકારે સીધો ર૮ ટકા અમલ કરી લોકોને પરેશાનીમાં મૂકી તથા રોજગારના મુદ્દે તેમણે જણાવ્યું કે જો ભારતમાં રોજગારી ઉપલબ્ધ કરાવવી હોય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો. અમૂલ એક ઉદ્યોગપતિનો બિઝનેસ નથી પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોનો ધંધો છે. શુું ભારત ચીન સાથે હરિફાઈ કરી શકે છે ? તે પ્રશ્ન સામે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ચીનનો મુકાબલો ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો જ કરી શકે છે. ચીનમાં મોટી કંપનીઓ છે જ્યારે ભારતમાં અસંખ્ય નાના ઉદ્યોગો છે. જો તેઓને આર્થિક મદદ કરી મજબૂત કરવામાં આવે તો દેશને નવી રાહ ચિંધી શકાશે. એક કંપનીને જમીનો અને ૬૦ હજાર કરોડની લોન આપવાને બદલે ગુજરાતના એકથી ત્રણ હજાર નાના ઉદ્યોગોને આ રકમ આપી હોત તો હજારો યુવાનોને રોજી મળી શકત. પરંતુ મોદીનું સમગ્ર ધ્યાન મોટા ઉદ્યોગપતિઓ પર જ કેન્દ્રીત છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે ભારતમાં કોઈને પણ દર્દ થાય છે. કોંગ્રેસ તેમની સાથે છે ખેડૂતો, નાના ઉદ્યોગો, પાટીદારો, લઘુમતીઓ, દલિતો, આદિવાસીઓ નાના ટેક્સટાઈલ ઉદ્યોગોની સાથે છે. જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. ભાજપ દલિતો, આદિવાસીઓને તોડવાનું કામ કરે છે અમે જોડવાનું કામ કરીએ છીએ. અમે સત્તા પર આવીશું તો આદિવાસીઓને તેમના જમીનના હક આપીશું. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે બેંકોના દરવાજા ખોલી નાંખીશું. નાના ઉદ્યોગોને નાણા આપી તેમને મોટા ઉદ્યોગપતિ બનાવીશું તેવું વચન આપ્યું હતું.
રોજગારી અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૦ લાખ યુવા બેરોજગારો છે. કોંગ્રેસ ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય મદદ કરી મજબૂત કરશે અને અસંખ્ય રોજગારી પૂરી પાડશે. સરકારી નોકરીઓમાં ભરતી કરીશું. ગુજરાતમાં શૈક્ષણિક પદ્ધતિ માત્ર લોકો પાસેથી નાણા પડાવે છે. યુનિવર્સિટીઓમાં નાણાથી ડિગ્રી અપાય છે. પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ રોજગારી મળતી નથી. આ શૈક્ષણિક સંકુલો ૧પ-ર૦ લોકોના હાથમાં છે. આથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો આખી સિસ્ટમ બદલવા ખાસ કામ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks