(એજન્સી) તા.૧૮
તેલુગુદેશમ પાર્ટીના સાંસદ સી.એમ.રમેશે સોમવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, જો આંધ્રપ્રદેશના કડાપા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો તે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર શરૂ કરશે. રમેશે આ પત્ર સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કરેલા નિવેદનમાં પાંચ દિવસ પછી લખ્યો હતો. કેન્દ્ર સરકારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટમાંં કહ્યું હતું કે, કડાપામાં સ્ટીલ પ્લાન્ટનું બાંધકામ આર્થિક રીતે લાભદાયી નથી. ટીડીપીના સાંસદે પત્રમાં લખ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરી કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ આર્થિક રીતે ફાયદાકારક નથી. એવું લાગે છે કે, આ નિવેદન એસએઆઈએલના અહેવાલ પર આધારિત છે. આ સમાચારને લીધે આંધ્રપ્રદેશની જનતા અને ખાસ કરીને કડાપાના લોકોની લાગણી ઉશ્કેરાઈ છે.’