(એજન્સી) મિદનાપુર, તા. ૧૬
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પીએમ નરેન્દ્ર મોદીની સભામાં એક દુર્ઘટના સર્જાઇ હતી. અહીં પીએમના ભાષણ દરમિયાન જ પંડાલનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો જેના કારણે ૯૦ ભાજપના સમર્થકોને ગંભીર ઇજાઓ થઇ છે. ઘટનાસ્થળે પીએમની સુરક્ષા માટે હાજર રહેલા એસપીજી જવાનોએ આ લોકોને પડી ગયેલા પંડાલમાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ સમાપ્ત થયા પછી તરત જ મિદનાપુર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના બની ત્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા. પંડાલ પડતાં જ ઘટનાસ્થળે નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી ઘણા લોકો યોગ્ય નિર્દેશ ન મળતા આમ તેમ દોડવા લાગ્યા હતા. આના કારણે ઘણા લોકો દબાઇ ગયા હતા. મિદનાપુરમાં વરસાદને કારણે મેદાન ભીનું થઇ ગયું હતું અને પંડાલ પડી ગયું હતું. હોસ્પિટલ પહોંચીને પીએમ મોદીએ ઘાયલોને સાંત્વના આપી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓને ઘાયલો માટે યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા હતા. એક ઘાયલને મળતા પીએમે એમ પણ જણાવ્યું કે, તમારામાં હિંમત હશે તો તમે એકદમ ઠીક થઇ જશો. એવું માનવામાં આવે છે કે, પંડાલની નીચે લોકોની ભીડ વધી જવાને કારણે પંડાલના પાયા પર દબાણ વધી ગયું હતું. મોદી જ્યારે ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે પંડાલ નીચે પડી રહ્યું હતું અને લોકો બૂમો પાડી રહ્યા હતા. આ સમયે મોદીએ લોકોને સાચવવા સલાહ આપી હતી. અધિકારીઓ અનુસાર મોદીનું ભાષણ અડધું થયું હતું તે સમયે આ દુર્ઘટના બની હતી. તેમણે તરત જ પોતાની પાસે ઉભેલા એસપીજી કમાન્ડોને લોકોને બચાવવા માટે આદેશ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીનો પર્સનલ સ્ટાફ, ડોક્ટર અને એસપીજી કમાન્ડો તરત જ ઘાયલ લોકોની મદદ માટે દોડી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી દેવાયા હતા પરંતુ ઘાયલોના આંકડામાં વધારો થઇ શકે છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટિ્વટ કરી પીએમ મોદીની રેલીમાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટિ્વટમાં જણાવ્યું કે, રેલીમાં ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય તેવી હું કામના કરૂ છું. સરકાર આ લોકોની મદદ માટે દરેક સંભવ પ્રયાસ કરશે.
બંગાળમાં પીએમ મોદીના મમતા બેનરજી
પર પ્રહાર, ‘અહીં પૂજા કરવી પણ મુશ્કેલ’

(એજન્સી) મિનદાપુર, તા. ૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના મુદ્દે રાજ્ય સરકાર અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ખેડૂતો માટે કોઈએ વિચાર્યું નથી. સરકારે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ વધારીને દેશના અન્નદાતાની આવક વધારવાનું કામ કર્યું છે. સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા પીએમએ વિપક્ષી દળોને આડેહાથ લીધા હતા. પીએમએ રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પૂજા કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા તેમણે ટાંક્યું કે સિન્ડિકેટને ભોગ ધર્યા વગર કોઈ કામ કરાવવું મુશ્કેલ છે. પીએમ મોદીની મિદનાપુરની રેલીમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો હતો. રેલી સ્થળ પર લગાવાયેલા મમતા બેનર્જીના હોર્ડિંગનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે મમતા બેનર્જી વડાપ્રધાનના સ્વાગત માટે ખુદ હાથ જોડીને હાજર હતા. મોદીએ કહ્યું કે, ‘હું મમતા દીદીનો ઘણો આભારી છું, કારણ કે મે જોયું કે તેમણે મારા સ્વાગતમાં આટલા બધા ઝંડા લગાવ્યા છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. હું મમતા દીદીનો એટલા માટે પણ આભારી છું કારણ કે તેઓ સત્કાર કરતા હાથ જોડીને વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉપસ્થિત છે. તેમણે ચોતરફ પોતાના હોર્ડિંગ્સ લગાવ્યા છે.’