(એજન્સી) તા.ર
કેરળના મુખ્યમંત્રી વિજયને સંઘના વડા મોહન ભાગવતની ઝાટકણી કાઢી હતી. ભાગવતે એમની સરકાર ઉપર રાષ્ટ્રવિરોધી હોવાના આક્ષેપો મૂકયા હતા. વિજયને કહ્યું કે સંઘનું એક જ કાર્ય છે લોકોને એકબીજા સાથે લડાવવું. પણ કેરળમાં એમનું ભાગલાવાદી, કોમવાદી, રાષ્ટ્ર વિરોધી અને લોકોને ભડકાવવાનું એજન્ડા ચાલી શકશે નહીં. અહીંના લોકોએ એમને સંપૂર્ણપણે નકાર્યું છે. એમણે ભાગવતને પડકારતા કહ્યું કે એ ક્યા આધારે કરેળને રાષ્ટ્ર વિરોધી ગણાવે છે. એનો ખુલાસો કરે. ભાગવતના સંબોધનમાં એમની નિરાશા દેખાય છે કારણ કે સંઘ કેરળમાં ઝેર ફેલાવી ભાજપને ફાયદો કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. જેથી ભાગવત પોતાનો બળાપો કાઢી રહ્યા છે. અમને સંઘની ભાગલાવાદી નીતિની ખબર છે. એ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક માળખાને ગમે તેમ કરી ખતમ કરવા માંગે છે. અમને તમારી સલાહની જરૂર નથી. અમને ખબર છે કે, સ્વતંત્રતા સંગ્રામ વખતે સંઘે બ્રિટિશરોને સાથ આપ્યું હતું. કેરળે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંઘે ઘણા રાજ્યોમાં પોતાની ભાગલાવાદી પ્રવૃત્તિઓથી પગપેસારો કર્યો છે. ગૌરક્ષકોના નામે, ધર્મના નામે, લઘુમતીઓ ઉપર અને દલિતો ઉપર હુમલાઓ કરાય છે. પણ કેરળના લોકોને તમારી વિચારધારા પસંદ નથી અહીં તમે સફળ થશો નહીં. ભાગવતજી તમે અમારા કેરળની ચિંતા છોડી દો. અમારા રાજ્યના લોકોને અમારી સરકાર ઉપર વિશ્વાસ છે. અહીં કોમી ધ્રુવીકરણના પ્રયાસો નહીં કરો. સંઘ અને ડાબેરી સરકાર વચ્ચે તણાવ છેલ્લા કેટલાક સમયથી તીવ્ર બન્યું છે. બન્ને પક્ષોના અનેક કાર્યકરોની હત્યાઓ થઈ છે અને બન્ને એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે.