મોહન ભાગવતે રાજદૂતોની બેઠકમાં કહ્યું…. RSS એ ભાજપનો વૈચારિક માર્ગદર્શક છે જે ભાજપને કે ભાજપ સંઘને ચલાવતો નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
અત્રેની કલેરિજ હોટલમાં આરએસએસના વડા મોહન ભાગવતે પ૦ દેશોના રાજદૂતો માટે બ્રેકફાસ્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આરએસએસ ભાજપ અને સરકાર પર નિયંત્રણ ધરાવે છે. આરએસએસ વડા ભાગવતે આ પ્રશ્નનો જવાબ નકારમાં આપી કહ્યું કે આરએસએસ ભાજપનો વૈચારિક સલાહકાર છે જે ભાજપ ચલાવતો નથી કે ભાજપ આરએસએસને ચલાવતો નથી. તેમણે કહ્યું કે સ્વયં સેવક તરીકે અમે વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ. પરંતુ કામકાજમાં બન્ને સ્વતંત્ર છે. વિદેશી રાજદૂતોએ સંઘ સંચાલકને આરએસએસ-ભાજપને લગતા પ્રશ્નો પૂછયા હતા. આરએસએસ સાથે કેટલાક ખ્યાલો અંગે ગેરસમજ પ્રવર્તે છે જેમાં આરએસએસ તેઓ ભાજપ અને સરકાર ચલાવે છે તેવા પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યુું કે આરએસએસ રાજકીય સંગઠન નથી. પરંતુ તે સામાજિક સંગઠન છે. ભાજપના મહાસચિવ રામ માધવને રાજદૂતો માટે બ્રેકફાસ્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ગૌરી લંકેશની હત્યા બાબતનો પ્રશ્ન પણ પૂછાયો હતો. ગૌરી લંકેશની હત્યા જમણેરી પરિબળોએ કરી હોવાની શંકા સેવાય છે. આરએસએસની વિચારધારાને અપનાવવા બદલ રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ મૂકયો હતો. જેની ભાજપે ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ અમેરિકાની બર્કીલી યુનિવર્સિટીમાં પ્રવચન સમયે આ વાત કરી હતી. રાજદૂતો સમક્ષ ભાગવતે તેમના પ્રવચનમાં કહ્યું કે તેઓ કોઈ ભેદભાવમાં માનતા નથી. દેશ અને વિશ્વને એક સમાન દ્રષ્ટિએ જોવું તે અમારો લક્ષ્યાંક છે. ભાગવતે રાજદૂતોને આરએસએસની શિબિરમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને સંઘની સંસ્કૃતિનો અનુભવ કરવા જણાવ્યું હતું. આરએસએસ પાસે ૧.૭ લાખ સામાજિક યોજનાઓ છે જેમાં ગરીબી નાબૂદી સહિત ઘણી યોજનાઓ ચાલે છે. જે યોજનાઓ આરએસએસ ચલાવે છે તેને જોવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, આરએસએસ કોઈને નીચા પાડવાનું સોશિયલ મીડિયામાં કામ કરતું નથી. જે લોકો સોશિયલ મીડિયા પર આક્રમક હુમલા કરે છે. નીચા પાડવાની વૃત્તિને અમે ટેકો આપતા નથી. કેન્દ્રીય મંત્રી જયંતસિંહા આ બેઠકમાં હાજર હતા. જેમણે રાજદૂતોના ભાગવતને પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં મદદ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts