મોહન ભાગવત માટે કોલકાતાના ઓડિટોરિયમનું બુકિંગ મમતા સરકારે રદ કર્યું

કોલકાતા, તા. ૫
બંગાળ સરકાર દ્વારા સંચાલિત કોલકાતાના મહાજાતિ ઓડિટોરિયમની સંઘના પ્રમુખ મોહન ભાગવતના ભાષણ માટે કરાયેલી બુુકિંગ રાજ્ય સરકારે રદ કરી હોવાનો આરોપ કાર્યક્રમના આયોજકોએ લગાવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં સિસ્ટર નિવેદિતાની ભૂમિકા અંગે ત્રીજી ઓક્ટોબરના કાર્યક્રમ માટે ઓડિટોરિયમની બુકિંગ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરાયા હતા. ટ્રસ્ટના મહાસચિવ રાંતિદેબ સેનગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે, ઓડિટોરિયમની બુકિંગની તમામ પ્રક્રિયાઓ પૂરી થયા બાદ સત્તાવાળાઓએ બુકિંદ રદ કરી હતી.
સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે ૧૪,૩૫૦ રૂપિયા ભર્યા બાદ ઓડિટોરિયમ બુક કરાવ્યું હતું ત્યારબાદ પણ અમે ત્રીજી ઓક્ટોબરે રજા હોવાના કારણે ૧૧૫૦ રૂપિયા વધુ ચુકવ્યા હતા. કાર્યક્રમ અંગે અમે કોલકાતા પોલીસ કમિશનરની મુખ્ય કચેરીએ પણ સંયુક્ત રીતે જાણ કરી હતી. જોકે, ૩૧મી ઓગસ્ટે મહાજાતિ સદનના સત્તાવાળાઓએ અમને બુકિંગ કેન્સલ થઇ હોવાનું જણાવી દીધું હતું. તેમણે અમને કોલકાતા પોલીસ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લાવવાનું કહ્યું હતું. બાદમાં અમે એનઓસી અંગેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મહાજાતિ સદને જાણ કરી હતી કે, ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઓડિટોરિયમમાં સમારકામ ચાલુ હોવાને કારણે આ તારીખમાં તેમના માટે ઓડિટોરિયમ ખાલી નથી. મહાજાતિ ઓડોટોરિયમના સત્તાવાળાઓ હાલ કોઇ જવાબ આપવા તૈયાર નથી. કાર્યક્રમના આયોજકો હવે જણાવી રહ્યા છે કે, આ કાર્યક્રમ હવે અન્ય સ્થળે નક્કી કરાયેલી તારીખે જ યોજાશે. સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે કાર્યક્રમ માટે વૈકસ્પિક સ્થળની બુકિંગ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બુકિંગ સમયને કારણે રદ કરવામાં આવી છે કારણ કે, ૩૦મી સપ્ટેમ્બરે વિજયા દશમી છે અને પ્રથમ ઓક્ટોબરે મોહર્રમ છે તેવા સમયે હિંદુ કટ્ટરવાદી સંસ્થાના પ્રમુખના કાર્યક્રમને મંજૂરી આપવી યોગ્ય નથી. રાજ્ય સરકારને એવી ભીતિ છે કે, વિજયા દશમીના પ્રસંગે હિંદુ કટ્ટરવાદીઓ હથિયારો સાથે પ્રદર્શન કરી શકે છે. સરકારના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તહેવારો પ્રસંગે શહેરમાં મોહન ભાગવતની હાજરીને કારણે સ્થિતિ તંગ બની શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks