મોહર્રમ પર પોલીસ પરવાનગી વિના દુર્ગા મૂર્તિ વિસર્જન નહીં : બંગાળ સરકારનો નિર્ણય

કોલકાતા, તા. ૨૨
મમતા બેનરજી સરકારે આજે નક્કી કર્યું હતું કે, તેઓ પહેલી ઓક્ટોબરે દુર્ગા મૂર્તિના વિસર્જનને પરવાનગી આપતા કલકત્તા હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ નહીં જાય. મમતા સરકારના મંત્રી અને વકીલ કલ્યાણ બેનરજીએ તો એમ પણ જણાવ્યંુ છે કે, કલકત્તા હાઇકોર્ટનો આદેશ રાજ્ય સરકારની તરફેણમાં જ આવેલો છે. અહેવાલો પ્રમાણે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મળ્યા બાદ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, તેઓ આ કેસમાં હવે આગળ કોઇ કાર્યવાહી નહીં કરે. આ ઉપરાંત રાજ્ય સરકારે રાજ્ય સચિવ નબ્બાનાની ઉચ્ચસ્તરીય બેઠકમાં નક્કી કર્યું છે કે, મોહર્રમના દિવસે જ ઉજવાતા એકાદશીના દિવસે આકરા અંકુશો લાદી દેવામાં આવશે. આ વિસર્જન પોલીસની પરવાનગી વિના કરવા દેવામાં આવશે નહીં. મુખ્ય સચિવ, હાવરા અને અન્ય જિલ્લાના પોલીસ કમિશનરોની હાજરીવાળી બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કરી હતી. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, પહેલી ઓક્ટોબરે કરવામાં આવનાર મૂર્તિ વિસર્જન માટે પોલીસ પરવાનગી પ્રાથમિકતા રહેશે. આ બાબતમાં અંતિમ નિર્ણય પોલસે લેવાનો રહેશે અને જો કોઇ ખામી જણાશે તો તેઓ પરવાનગી રદ પણ કરી શકે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે દુર્ગા મૂર્તિ વિસર્જન અંગેના આદેશ પર કલકત્તા હાઇકોર્ટની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, કોઇપણ મારું ગળું કાપી શકે પરંતુ મારે શું કરવું તે કોઇ કહી ન શકે. કલકત્તા હાઇકોર્ટે મમતા સરકારના દુર્ગા મૂર્તિ વિસર્જનના આદેશને ફગાવી દેતાં પોલીસને સખત આદેશ આપ્યા હતા કે, પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન અને મોહર્રમના જુલૂસ અંગે જુદા-જુદા રૂટનું આયોજન કરે. એકડાલિયા એવરગ્રીન ક્લબમાં સભાને સંબોધતાં મમતાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ જાળવવા માટે જરૂરી તમામ પગલાં ભરીશ, આ ઉપરાંત કોઇપણ મારું ગળંુ કાપી શકે, પરંતુ મારે શું કરવું તે મને કોઇ શીખવાડી ન શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks