રાજ્યમાં બેફામ બનતા કટ્ટરવાદી તત્ત્વો
(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.ર
અરવલ્લી જિલ્લાના વડાગામ ગામમાં સિંધી મુસ્લિમ પરિવારના આશરે ૩૦થી ૩પ ઘરોમાં કુલ ર૦૦થી વધુ લોકો વસવાટ કરે છે. ગરીબ પરિવારના આ લોકો ક્વોરીઓમાં મજૂરી કામ, ફાઈવિંગ કામ તથા છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા પ૦ કરતા વધારે વર્ષોથી આ લોકો વર્ષોથી દૂધમાં સાકર ભળે તે રીતે ગામના લોકો સાથે મહોબ્બતથી રહે છે. પ૦ કરતાં વધારે વર્ષોથી આજદિન સુધી આ પરિવારના કોઈપણ સભ્યનો ગામના કોઈપણ વ્યક્તિ સાથે નાનો સરખો પણ ઝઘડો થયો નથી. તેમ છતાં એકાએક કોણ જાણે કેમ પણ આ ગામના રાવળ પરિવારની એક સગીરાએ પોતાની છેડતીનું ઊભું કર્યું અને રાવળ પરિવારના લોકો એકાએક તૂત ઉશ્કેરાઈ ગયા અને સિંધી મુસ્લિમ પરિવારના અકબરભાઈ અલુભાઈના ઘરે પહોંચી રાવળ કુટુંબના ર૦થી રપ લોકોએ અકબરભાઈને ઢોર માર મારી ધમકીઓ આપતા અકબરભાઈ એક ગભરાઈ ગયા અને સામે રહેતા પોતાની માસીના ઘરે જતા રહ્યા હતા. તા.ર૪-૩-૧૭ના સાંજના ૪ઃ૦૦ વાગ્યે રાવળ કુટુંબના રપથી વધુ માણસો ફરીથી અકબરભાઈના ઘરે પહોંચી અકબરને અમોને સોંપી દો નહીં તો ગંભીર પરિણામ ભોગવશોની પરિવારજનોને ધમકીઓ આપી હતી. રાત્રે ૮ઃ૦૦ વાગ્યાની આસપાસના સુમારે રાવળ કુટુંબના તથા અન્યો ૪૦૦થી પ૦૦ માણસોના લોકોએ ભેગા મળી પૂર્વ આયોજિત સિંધી પરિવારના અકબરભાઈના પિતા અલુભાઈ ઈસ્માઈલભાઈ તથા તેમના પરિજનો પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ લાકડીઓ, લોખંડની પાઈપો, ધારિયાઓથી હુમલો કરી પુરુષો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો સાથે અન્યોને ઢોર મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં સિંધી પરિવારના ૧ર જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં અલુભાઈ ઈસ્માઈલભાઈ સિંધી, ઈસ્માઈલભાઈ અલુભાઈને હાથ, પગ તથા પીઠના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. જ્યારે તે જ દિવસે રાત્રે ધનસુરા પોલીસ મથકના પીએસઆઈ ગઢવી પોલીસના કાફલા સાથે સિંધી પરિવારના લોકોના ઘરે પહોંચી ગયા હતા. પોલીસ વીરા પણ આ લોકોને ધમકાવવામાં આવ્યા હતા અને જવાબ રજૂ કરવા પોલીસ સ્ટેશન આવવું પડશે. તેમ કહી અમો તમોને છોડી મૂકીશું અને પોલીસની ગાડી તમને પાછા મૂકી દેશે એમ કહી ૭૦ વર્ષીય જૈફ મહિલા અમીનાબેન ગુલાબભાઈ સાથે અન્ય તમાસીભાઈ ઈસ્માઈલભાઈ, બાબુભાઈ કાળુભાઈને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જઈ જેલના હવાલે કરી દીધા હતા. ત્યારે ૭૦ વર્ષના જૈફ મહિલાની હાલત દયનીય બની ગઈ હતી. ધનસુરા પોલીસે મનમાની કરી સિંધી પરિવારના ૮ સભ્યો સામે ખોટી રીતે ગુનો નોંધી જેલને હવાલે કરી દીધા છે. હવે પ્રશ્નએ થાય છે કે સિંધી પરિવારના અકબરભાઈ પોતાના ઘરે ટેપ વગાડતા હતા તેવામાં રાવળ પરિવારની સગીરા ત્યાંથી પસાર થઈ હતી અને રાવળ પરિવાર ટેપ વગાડવા બાબતે સગીરાની છેડતી બતાવી સિંધી પરિવાર પર હુમલો કરે છે ગંભીર રીતે ઘાયલ કરે છે અને પોલીસ પણ એકતરફી કાર્યવાહી કરી સિંધી પરિવારના લોકોને જેલને હવાલે કરી દે છે. ત્યારે એકતરફી અને અન્યાયનો ભોગ બનેલા સિંધી પરિવારના ૩૦૦થી ૩પ૦ લોકો તા.ર૪-૩-૧૭ના રોજ રાત્રે વડાગામ ગામમાંથી હિજરત કરી ગયા હતા. વડાગામ ગામમાંથી હિજરત કરી આ લોકો પહેરેલે કપડે અન્ય સગા-સંબંધીઓના ત્યાં ગભરાયેલી હાલતમાં વસવાટ કરી રહ્યા છે. વડાગામમાં રહેતા સિંધી પરિવારના આ લોકોને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ઘરોમાં લગ્નનો સામાન પણ છે અને તેમના ઘરો સૂમસામ જૈસે થેની હાલતમાં છે. રાવળ પરિવારના લોકો દ્વારા ઘરોમાં પણ તોડફોડ કરી સામાન રફેદફે કરી નાખી સિંધી પરિવારની બે બકરીઓને પણ મારી નાખવાના સમાચાર સાંપડ્યા છે. હાલ તો હિજરત કરી ગયેલા આ લોકોને ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલતમાં બાળકો તથા મહિલાઓની હાલત એકદમ દયનીય બની છે. ધનસુરા પોલીસ તંત્રની એકતરફી અને અન્યાયી કાર્યવાહીથી આ લોકો વધારે ભયભીત બની ગયા છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે છેડતી જેવા બનાવો ઉપજાવી ધાર્મિક ઉન્માદ ભડકાવવાનું એક સુનિયોજિત કાવતરું તો નથી કરાઈ રહ્યું ને ? તથા સરકારને પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સરકાર તથા સરકારી તંત્રએ આ દિશામાં ખૂબ જ સજાગતા રાખી ન્યાયી ધોરણે કાર્યવાહી કરી સરકારના સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકી સલામતી, સબકો ન્યાયને સાર્થક કરવાની જરૂર છે.