(સંવાદદાતા દ્વારા) વાપી, સુરત, તા.૧૫
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા ગામે એકતા ગ્રૃપ દ્વારા એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ ઉપસ્થિત રહેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડીયાએ ખેડૂતોની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેવાદાર ખેડૂતોને આત્મહત્યા કરતાં રોકવા માટે દેશના બધા પક્ષો ભેગા મળીને એવી યોજના લાવે કે ખેતપેદાશના ખર્ચ કરતા દોઢ ગણા ભાવ ખેડૂતોને મળે, સાથે જ તેમણે વધતી મુસ્લિમોની વસતી સામે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, બે સંતાનોની નિતીનો તેમના પર પણ અમલ થવો જોઇએ. સાથે જમીન સંપાદન અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવા ત્રણ લાખ કરતા વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે, અને દર વર્ષે દેવાના ડુંગર નીચે ૧પ હજારથી વધુ ખેડૂતો જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે મોંઘવારીને કાબુમાં કરવા સરકાર ખેડૂતોની ખેતપેદાશના ભાવ વધારી દેતી નથી, પરંતુ ખેતપેદાશ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળતાં, જેથી જગતનો તાત દેવાળીયો બની રહ્યો છે. જેથી સરકારે કંઇક યોગ્ય પગલા લેવા જોઇએ અને બધા પક્ષોએ ભેગા મળીને ઉત્પાદન ખર્ચના દોઢગણા ભાવ મળે તો ખેડૂતો યોગ્ય જીંદગી જીવી શકે.