અમદાવાદ,તા.ર૧
મુંબઈમાં થયેલ વરસાદની ધમાકે દાર એન્ટ્રી અને ગુજરાતમાં સર્જાયેલ વાદળછાયા વાતાવરણને લઈ રાજ્યવાસીઓમાં ચોમાસુ જલ્દી બેસી જશે તેવી આશા બંધાઈ હતી. જો કે સામાન્ય ઝાપટાઓને બાદ કરતાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદ થયો નથી. જ્યારે વાદરછાયું વાતાવરણ પલટાતાં ફરી એકવાર રાજ્યમાં તીવ્ર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે હવામાન ખાતાના સૂત્રો મુજબ સમુદ્રમાં કોઈ મોટી સીસ્ટમ સક્રિય ન હોઈ હજુ પણ ચાર-પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાતી નથી.
રાજ્યમાં આ વખતે ચોમાસું જલ્દી આવશે તેવી આગાહી અગાઉ કરવામાં આવી હતી. જો કે તે માત્ર આગાહી જ બની રહી જતાં હજુ પણ રાજ્યમાં વરસાદના કોઈ સંકેતો દેખાતા નથી. ત્યારે હવામાનની પ્રતિકૂળતાને કારણે ગુજરાતમાં ખરીફ સિઝન નબળી પડી છે. પાણીની અછતને જોતાં સરકારે પણ ખેડૂતોને ખરીફ સીઝન ન લેવા જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં ચોમાસુ મોડુ પડતાં જેમણે ખરીફ સીઝનમાં વાવણી કરી હતી. તેમની ખરીફ સીઝન નિષ્ફળ જવાની શક્યતા વધી ગઈ છે. જ્યારે અસહ્ય ગરમી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકો અને જગતનો તાવ બધા જ આ વખતે વરસાદની કાગ-ડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હજુ પણ બરોબરનો વરસાદ આવતાં એકાદ સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી દિવસોમાં ગરમીનો પારો ૪રથી ૪૪ ડિગ્રીની નજીક પહોંચે તેવી પણ શક્યતા છે. આજે રાજ્યમાં ૪૧.પ ડિગ્રી તાપમાસ સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે ડિસામાં ૪૧.૪, આણંદમાં ૪૧.૧, અમદાવાદમાં ૪૧.૧, ગાંધીનગરમાં ૪૦.૮, રાજકોટમાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૪, વડોદરામાં ૩૯.૮, કંડલા એરપોર્ટ પર ૩૮.૬ અને ભૂજમાં મહત્તમ તાપમાન ૩૮.૦ ડિગ્રી નોંધાયું હતું. આમ દરેક એક તરફ ગરમી ફરી એકવાર વધી રહી છે. ત્યારે વરસાદ ક્યારે અવશે ?ના સવાલ સાથે ગુજરાતીઓ આગાહીઓ સાંભળી રહ્યા છે અને આકાશ તરફ મીટ માંડી બેઠા બેઠા પરસેવે રેબ-ઝેબ જઈ રહ્યા છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૧.પ
ડિસા ૪૧.૪
આણંદ ૪૧.૪
અમદાવાદ ૪૧.૧
ગાંધીનગર ૪૦.૮
રાજકોટ ૪૦.૬
અમરેલી ૪૦.૪
વડોદરા ૩૯.૮
કંડલા એરપોર્ટ ૩૮.૬
ભૂજ ૩૮.૦